WORLD : ટ્રમ્પનો નનૈયો છતાં જી-20માં સર્વસંમતિથી ઘોષણાપત્ર

0
36
meetarticle

જગતજમાદાર અમેરિકાના વિરોધ છતાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશોએ સર્વસંમતિથી ઐતિહાસિક ઘોષણાપત્ર પસાર કરી દીધો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના બહિષ્કાર છતાં જી-૨૦ દેશોના જૂથમાં શિખર મંત્રણાની શરૂઆતમાં જ ઘોષણાપત્ર અંગે સર્વસંમતિ સધાઈ હતી, જેને પગલે જી-૨૦ શિખર મંત્રણાના અંતે ઘોષણાપત્ર જાહેર કરવાની પરંપરાનો પણ ભંગ થયો હતો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત જી-૨૦ શિખર સંમેલનનો અમેરિકાએ બહિષ્કાર કર્યો છે ત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસાએ કહ્યું કે, અમેરિકાએ સંયુક્ત ઘોષણાપત્રના શબ્દો પર વાંધો ઉઠાવ્યો છે. આમ છતાં આ ઘોષણાપત્ર પર અન્ય તમામ દેશો સંમત થયા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકા સાથે રાજકીય મતભેદોના કારણે જી-૨૦ શિખર મંત્રણાનો બહિષ્કાર કર્યો છે.

જી-૨૦ ઘોષણાપત્રમાં જણાવાયું કે, દુનિયામાં ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક સ્પર્ધા, યુદ્ધ, ભૂખમરો, અસ્થિરતા, વધતી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને અસમાનતા વધી રહ્યા છે. આ મુશ્કેલ રાજકીય અને સામાજિક-આર્થિક વાતાવરણમાં આપણે સંયુક્ત પડકારોનો સાથે મળીને સામનો કરવા માટે બહુસ્તરીય સહકાર પર ભાર આપવો જોઈએ. અમે એ બાબતની પુષ્ટી કરીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર મુજબ કોઈપણ દેશે અન્ય દેશની પ્રાદેશિક અખંડતા અને સંપ્રભૂતા અથવા રાજકીય આઝાદી પર કબજો કરવા માટે ધમકી આપવા અથવા સૈન્ય શક્તિનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મહાશક્તિઓના આ પ્રકારના અતિક્રમણ અને વિસ્તારવાદી નીતિઓને સાંખી નહીં લેવાય. 

જી-૨૦ નેતાઓએ ઘોષણાપત્રમાં યુએન ચાર્ટરના સિદ્ધાંતો મુજબ સુદાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, કબજાવાળા પેલેસ્ટાઈનના વિસ્તાર અને યુક્રેનમાં સંપૂર્ણ અને સ્થાયી શાંતિ માટે કામ કરવા પર ભાર મૂક્યો હતો.

રામફોસાએ કહ્યું કે, જી-૨૦માં સામેલ દુનિયાના નેતાઓએ જળવાયુ પરિવર્તન અંગે અમેરિકાની ગેરહાજરીમાં સંયુક્ત ઘોષણાપત્ર પસાર કરી દીધો છે. તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે જળવાયુ પરિવર્તન અંગે પસાર કરાયેલા ઘોષણાપત્ર અંગે ફરીથી વાતચીત કરી શકાશે નહીં. પ્રમુખ રામફોસાના આ નિવેદને અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો તણાવ જાહેર કરી દીધો છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગેરહાજરી અને તેમના વિરોધ વચ્ચે જી-૨૦ શિખર મંત્રણાનું ઘોષણાપત્ર જાહેર કરવા અંગે દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ કહી દીધું હતું કે અમેરિકા સાથે અથવા તેના વિના પણ જી-૨૦ શિખર મંત્રણા યોજાશે. આ બહુરાષ્ટ્રીય મંચ જી-૨૦ને કોઈ એકની ગેરહાજરીના આધારે લકવાગ્રસ્ત સ્થિતિમાં નાંખી શકાય નહીં. આ મંચે બીજા વિશ્વ યુદ્ધ બાદથી ઘણા સારા કામ કર્યા છે, તેથી અમે દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી દુનિયાને સંદેશો આપવા માગીએ છીએ કે આપણે ઘોષણાપત્ર સાથે આગળ વધવું જોઈએ. આ ઘોષણાપત્ર સફળ થાય તેની આપણે ખાતરી કરવી જોઈએ, કારણ કે સમગ્ર વિશ્વના નેતાઓ અહીં છે.

જી-૨૦ શિખર સંમેલનને સંબોધન કરતા દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસાએ સંયુક્ત ઘોષણાપત્ર માટે વ્યાપક સહમતીનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, આપણે શરૂઆતમાં જ તેને સ્વીકારી લેવું જોઈએ. સામાન્ય રીતે ઘોષણાપત્ર શીખર સંમેલનના અંતમાં પસાર થાય છે. પરંતુ અમને લાગ્યું કે, અમારે સંમેલનની શરૂઆતમાં જ ઘોષણાપત્ર પસાર કરવા માટેની પહેલ કરવી જોઈએ. આ સાથે અસામાન્ય રૂપે જી-૨૦ જૂથના બધા જ દેશોએ તેના માટે સર્વસંમતિ દર્શાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here