વડોદરા શહેર અને જિલ્લામાં મતદારયાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત બીએલઓ દ્વારા થતી કામગીરીમાં માત્ર ૪૫ ટકા જ ડિજિટાઇઝેશન થયું હોવાથી આગામી દિવસોમાં વધુ કેમ્પો યોજવાની તંત્રને ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની પાંચ અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદારયાદી માટે એસઆઇઆરનો પ્રોગ્રામ હાલ ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં ૯૦ ટકા ગણતરી ફોર્મની વહેંચણી બીએલઓ દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ ફોર્મ સંપૂર્ણ ભરાઇને પરત આવ્યા નથી. એસઆઇઆરના સમયપત્રક મુજબ હવે ફોર્મ જમા કરાવવા માટે માત્ર બે સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે એટલે મોટી સંખ્યામાં ગણતરી ફોર્મ પરત આવે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.શહેર અને જિલ્લામાં અઢી હજારથી વધુ બીએલઓ દ્વારા વહેંચવામાં આવેલા ફોર્મ પૈકી હજી ઘણા ફોર્મ પરત આવ્યા નથી અને જે ફોર્મ પરત આવ્યા છે તેમાં હજી સુધી માત્ર ૪૫ ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. હાલમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા કેમ્પ દરમિયાન બે લાખ જેટલા ફોર્મ શહેર અને જિલ્લામાં પરત આવ્યા છે.
અગાઉ તા.૧૫ અને ૧૬ નવેમ્બરના રોજ મતદાન મથકો પર ખાસ કેમ્પો યોજાયા હતા ત્યારબાદ હાલમાં તા.૨૨ અને ૨૩ નવેમ્બર સુધી પણ બે દિવસ કેમ્પ યોજાયા હતા. હવે વધુ ચાર દિવસ સુધી કેમ્પો યોજાશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. તા.૨૪થી ૨૭ સુધી સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી બીએલઓ મતદાન મથક પર હાજર રહી ફોર્મનું કલેક્શન કરશે તેમજ જરૃરી માહિતી પણ પૂરી પાડશે.
