તાજેતરમાં જે રીતે ચૂંટણીની કામગીરીમા બ્લોક લેવલ ઓફિસર તરીકે તમો સૌ કાર્યરત છો અને કામની જે જવાબદારી તમારા સૌને આપણા શીરે આવી છે તેનાથી આપણે ભટકી જઈએ, ડરી જઈએ કે હતાશ થઈએ તે અત્યંત દુઃખદ છે.સાંપ્રત પરિસ્થિતિના બદલાયેલા સંજોગો, મૂલ્યો, આદર્શો વગેરેમાં એક શિક્ષક અડીખમ શિખર સમો સ્થિત હોય તે ખૂબ જરૂરી છે. આ સમાજ શિક્ષકથી, શિક્ષક વડે, શિક્ષક દ્વારા ઘડાય રહ્યો છે.આ ઘડતરમાં તમારું એક ડગલું પણ પાછા હટવું એ સમાજને સ્વીકાર્ય નથી. કારણ તમો સમાજના બ્રહ્મા તરીકે એક એવા આસને વિરાજિત છો કે જ્યાં લોકો તમારું ઉદાહરણ સામે રાખીને પોતાનો પથ પ્રકાશિત કરે છે.
ભગવદ્ ગીતાના અધ્યાય-3ને અનુસરવા આપ સૌને જણાવવાનો લોભ જતો કરતો નથી. પરંતુ સાથે એ પણ જણાવું કે ભગવાન યોગેશ્વર કહે છે કે આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા પરમસિદ્ધિને પામી શકાય અને 23 માં શ્લોકમાં યદી ય્હહં નવર્તતે જાતું કર્મણ્યતદ્રતિ.મમ વત્મૉનુવર્તન્તે મનુષ્યા: પાર્થ સર્વશ:.અર્થાત જો હું સાવધાન થઈને કર્મમાં ન વર્તું તો ભારે હાની થઈ જાય કારણ કે માણસો બધી જ રીતે મારા જ માર્ગનું અનુચરણ કરે છે. આ સાવધાનીને હું યોગેશ્વર સાવધાની તરીકે ઓળખું છું. આપણે પણ આ જ સાવધાન સ્થિતિને અનુસરીને આગળ વધતા રહેવું જોઈએ.જે સ્થિતિને બદલવા માટેનું આપણું સામર્થ્ય કે શક્તિ નથી અથવા એમ કહું કે બધી જ તાકાતને ઝોંકી દીધા પછી પણ જો કોઈ સ્થિતિ ન બદલાય તો આપણે હારાકીરી કર્યા વગર આપણે આપણા કામમાં જોડાઈ જવું જોઈએ.
કોઈપણ કાર્ય ક્યારેય અશક્ય નથી અને અશક્યને પણ સરળ બનાવવાનું સામર્થ્ય છે જો આપણે કેળવી શકીએ તો! વાત અહીં કોઈપણ પરિસ્થિતિથી લડવા માટેની તાકાત કેળવવાની છે હારીને કે હતાશ થઈને આપણે સમગ્ર શૂન્યાવકાશ સરી જવાથી પાછું વળવું જોઈએ. હું અહીં દાખલો આપું કે બધી જ પરિસ્થિતિ આપણને અનુકૂળ ન હોય તો પણ હિંમતથી આગળ વધતા રહેવું જોઈએ. હું આચાર્યની જવાબદારીમા ઘણાં વર્ષો સુધી રહ્યો અને તેના કારણે ચૂંટણીની નાની કામગીરી મારે ભાગે બહુ આવે નહીં અને આવતી નહીં. તેથી હું કોઈ ચૂંટણી કામગીરીથી બહુ પરિચિત નહોતો. નિયમો અને પદ્ધતિ જાણું પણ તેમાં પ્રવેશ્યો નહોતો. ક્યારેય કોઈ કામ કર્યું ન હોય તો પણ જ્યારે આવી જ પડે ત્યારે આપણે ખૂબ હિંમતથી તેને સરળ બનાવવું જોઈએ.સને 2012 ની વિધાનસભા ચૂંટણીમાં મારો ચુંટણીના પ્રમુખ અધિકારી તરીકેનો હુકમ થાય છે. એ હુકમ મને એમ હતું કે રદ થઈ જશે પરંતુ ચુંટણીની આગલા દિવસ સુધી તે રદ ન થયો. મારા ઘેર એક સામાજિક પ્રસંગ પણ હતો અને ચુંટણીની કામગીરીમાં મને હુકમ મળેલો મહુવા વિધાનસભાનો. હું અહીંથી બધા જ ચૂંટણી અધિકારીઓ સાથે બસમાં પણ જઈ શકું તેમ નહોતો. મેં મુખ્ય ચૂંટણી અધિકારીને જણાવીને મહુવા બસમાં પહોંચવા માટેની મુક્તિ મેળવી લીધી હતી. વિધાનસભાના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ મને જણાવી દીધું હતું કે હવે ચૂંટણી કામગીરીમાં તમારે જવું પડશે. મેં ભૂતકાળમાં પણ કોઈ ચૂંટણીઓની પ્રક્રિયામાં સીધો ભાગ નહોતો લીધો અને ગયો ન હતો. આ ચૂંટણીમાં પણ મારો હુકમ રદ થઈ જશે એવા વિશ્વાસ સાથે હું કોઈ મિટિંગ, બેઠકમાં ગયો નહોતો. તેથી સમગ્ર પ્રક્રિયાથી હું અજાણ હતો. ન તો ઈવીએમ અંગેનું કોઈ એટલું ઊંડું જ્ઞાન કે ન ચૂંટણી પ્રક્રિયાનું નોલેજ! પણ મારા પર જવાબદારી આવી એટલે મેં પછી તેની બુકલેટનો રાત્રે અભ્યાસ કરી નાખ્યો. સવારમાં ચૂંટણી શરૂ થવાની હતી. મારા ચૂંટણી મથક પર સમયસર પહોંચી ત્યાં રોકાઈ અને વિભાગના ઉપરી અધિકારીના સંપૂર્ણ સહયોગથી આખી પ્રક્રિયા ખુબ સુદંર રીતે પૂરી કરી.વિધિની વક્રતા તો એ હતી કે મારી નીચેના અથવા સહયોગી એવા અધિકારીઓ પણ આ કામગીરીમાં કોઈ નિપુણ નહોતા, તો પણ તેમને માર્ગદર્શિત કરીને મેં લગભગ તમામ પ્રક્રિયામાંથી પસાર થઈને ખૂબ સુંદર રીતે કામ પૂરું કર્યું. મતદાન અધિકારી તરીકેના સાથીઓને પણ કેટલીક વાતની ખૂબ નવાઈ લાગી કે તમે કેટલાં આત્મવિશ્વાસ, હિંમતથી વ્યવહારુ બનીને આખું કામ ઉકેલ્યું! એકાદ વ્યક્તિએ મને પરિણામ આવ્યા પછી ફોન કરીને જણાવ્યું કે સર, પરિણામ આવી ગયું! મેં કહ્યું કે આવવાનું જ હતું અને આખી પ્રક્રિયા ક્યારેય કરી ન હોવા છતાં સરસ રીતે પૂરી કરી તેનો આનંદ છે.
આપણે સૌ જો કંઈ સ્થિતી બદલાય તો ઠીક છે નહીંતર જે માથે આવી ગયું છે તેને ખૂબ ઉત્સાહ આનંદથી પૂરું કરીએ.આપણે BLO અર્થાત્ બી એટલે બોલ્ડ (નિડર )એટલે લર્નેડ(જ્ઞાની) અને ઓ એટલે ઓરસમેન (નાવિક) બનીએ.
તખુભાઈ સાંડસુર


