અંકલેશ્વર GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) ના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના વ્યાપક ત્રાસ અને તેના કારણે સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં લઈને નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ સક્રિયતા દર્શાવી છે. ઓથોરિટી દ્વારા આજથી ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં આખલાઓ બાખડવાના અને વાહનોને નુકસાન પહોંચાડવાના બનાવો વધતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઢોર પકડવાની આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ જણાવ્યું છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ ઉપરાંત, પકડાયેલા ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે, જેથી જાહેર માર્ગો પર થતા અકસ્માતો અટકાવી શકાય.
