અમદાવાદ-રાજકોટને જોડતો મહત્ત્વપૂર્ણ બગોદરા જંકશન વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો માટે મોટી સમસ્યા બની ગયો છે. અમદાવાદ-રાજકોટ સિક્સ-લેન હાઇવેનું કામ વર્ષોથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સનાથલથી બગોદરા સુધીના પટ્ટામાં સવસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા લટકી રહ્યાં છે.

રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને નવી ગટર લાઇન પણ તૂટી ગઈ છે, જેના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા નિયમિત બની છે. અધૂરા કામને કારણે ઉડતી ધૂળની ડમરીઓને લીધે વેપારીઓના ધંધા-વ્યાપારને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિક લોકો શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાઇવેના આ કામની જવાબદારી સંભાળતી એજન્સીએ વચ્ચેથી જ કામ કરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે મહત્ત્વના સવસ રોડ અને ગટર લાઇનના કામો ખોરવાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે જ્યારે રોડ ખાતાના સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે તેઓ ફોન રિસીવ કરવાનું ટાળે છે, જે સરકારી તંત્રની બેદરકારી દર્શાવે છે. બગોદરાની પ્રજામાં ‘ડબલ એન્જિનની સરકાર’ના શાસનમાં થઈ રહેલા આ મંદ કામ પ્રત્યે ભારે રોષ છે. લોકોની માંગ છે કે સરકારે તાત્કાલિક નવી એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે આ અધૂરા કામો પૂર્ણ કરાવીને લોકોને હાલાકીમાંથી મુક્ત કરવા જોઈએ.

