મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં એક 13 વર્ષના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતી વખતે અચાનક હૃદય બંધ થઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી શાળા પરિવાર અને વાંકાનેરમાં રહેતા તેના પરિવારમાં શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.

રમતા રમતા અચાનક ઢળી પડ્યો
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી જૈમીલ કંસાગરા વાંકાનેરની ધરમનગર સોસાયટીનો વતની હતો. જૈમીલ છેલ્લા ત્રણ વર્ષથી તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે (24 નવેમ્બર) સાંજે 5 વાગ્યે તે શાળાના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તે નીચે ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો.
શાળાએ તુરંત કાર્યવાહીત કરી પરંતુ…
ઘટનાની જાણ થતાં શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને જૈમીલને તુરંત શંકુઝ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જૈમીલે જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ જૈમીલને મૃત જાહેર કર્યો અને જણાવ્યું કે, બાળકનું હ્રદય ચાલતું ન હોવાના કારણે તેનું મોત નિપજ્યું છે.
પોલીસ તપાસ શરૂ
બાળકના મૃત્યુની જાણ થતાં લાંઘજણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે માહિતી મેળવી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. જોકે, અચાનક બનેલી આ ઘટનાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આઘાતની લાગણી પ્રસરી હતી.

