ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઉપરના માળેથી નીચે પટકાવાના કારણે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઝાડેશ્વર ગામની હદમાં સાઈ મંદિર પાસે પાનમ ગ્રુપની ‘એરેસ સિગ્નેચર’ નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. માહિતી મુજબ, અહીં કામ કરતો એક શ્રમિક અકસ્માતે ઉપરના માળેથી નીચે પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં સ્થાનિકોએ ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને તે કયા સંજોગોમાં નીચે પટકાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

