ગાંધીનગર ACB (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા સર્વ શિક્ષા અભિયાન (SSA) ના નિવૃત્ત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર નિપુણ ચંદ્રવદન ચોકસી વિરુદ્ધ ₹૩ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસી (રહે. સેક્ટર-૪/ડી, ગાંધીનગર), જેઓ માર્ગ અને મકાન વિભાગના મૂળ કર્મચારી હતા અને SSA માં સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર (વર્ગ-૨) તરીકે ફરજ બજાવતા હતા, તેઓ તા. ૧૬/૦૭/૨૦૨૧ ના રોજ ₹૧,૨૧,૦૦૦/- ની લાંચ લેતા પકડાયા હતા.
આ લાંચના ગુનાની તપાસ અને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર નાગરિક કો.ઓપ. બેંકના તેમના ૩ લોકરમાંથી રોકડ ₹૨,૨૭,૨૫,૦૦૦/- તથા ઘરની જડતીમાં ₹૪,૧૨,૨૦૫/- મળીને કુલ ₹૨,૩૧,૭૫,૨૦૫/- જેટલી જંગી રોકડ રકમ મળી આવી હતી.
ACB દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ પોતાની સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કાયદેસરની આવક કરતાં ૬૨.૪૩% જેટલી વધુ મિલકત વસાવી હતી. તપાસમાં કુલ ₹૩,૦૮,૯૦,૨૭૯/- (ત્રણ કરોડ આઠ લાખ નેવું હજાર) ની અપ્રમાણસર મિલકત ફલિત થતાં, ગાંધીનગર ACB પોલીસ સ્ટેશને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

