વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી ૧૫ વર્ષની સગીરાને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી શોધી કાઢી છે. પોલીસની તપાસમાં અપહરણ બાદ સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન, ભોગ બનનાર બાળકીના ઘરની બાજુમાં રહેતો આરોપી અયાન અફસરૂદ્દીન ખાન પણ ઘરે હાજર ન હોવાનું જણાઈ આવ્યું હતું.

તાત્કાલિક તપાસ હાથ ધરતા પોલીસને બાતમી મળી કે ભોગ બનનાર બાળકી અને આરોપી જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે છે. પોલીસે તાત્કાલિક જલગાંવ ખાતે ટીમ રવાના કરીને સગીરા અને આરોપી અયાન ખાનને શોધી કાઢ્યા હતા.
સગીરાને વાપી લાવી તેની માતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે આરોપી અયાન ખાન તેને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
આ હકીકત સામે આવતા, વાપી ઉદ્યોગનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો અને પોક્સો એક્ટની કલમો મુજબ FIR માં વધારો કરાવી આરોપી અયાન અફસરૂદ્દીન ખાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતે, ભોગ બનનાર બાળકીનું તેની માતા સાથે સુખદ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

