GUJARAT : ભરૂચમાં સ્ટાફે જ માલિકના મોઢામાં બટાટું ઘુસાડી હત્યા કરી ₹૧૪.૫૫ લાખની લૂંટ કરી હતી, મુખ્ય આરોપી UP થી ઝડપાયો

0
39
meetarticle

ભરૂચ શહેરના આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલા કેટરર્સના માલિક પ્રકાશ પુનમારામ માલીની ક્રૂર હત્યા અને લૂંટના કેસમાં ભરૂચ પોલીસે મુખ્ય આરોપી કમલાપ્રસાદ વર્માને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે. ઘટનાસ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા, મૃતકના પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
પોલીસ તપાસમાં ખૂલેલા રહસ્ય મુજબ, કેટરર્સમાં કામ કરતા આરોપી કમલાપ્રસાદ અને તેના ફરાર સાથીદારે પૂર્વયોજના ઘડીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પ્રકાશ માલીને ચામાં નશીલો પદાર્થ આપી બેહોશ કર્યા બાદ હાથ-પગ બાંધી, મોઢામાં બટાટું ઠૂંસાડી નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ ₹૯.૫૦ લાખ રોકડ સહિત કુલ ₹૧૪.૫૫ લાખની મત્તા લૂંટીને ફરાર થયા હતા.


​આ ઘટના બાદ ભરૂચ એ-ડિવિઝન પોલીસ અને LCB ની ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપી કમલાપ્રસાદ વર્માને ઉત્તરપ્રદેશના બચરાઈચ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવવામાં આવ્યો છે અને હાલ ૧૨ દિવસની પોલીસ રિમાન્ડ હેઠળ તેની પૂછપરછ ચાલી રહી છે. બીજો આરોપી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ હજુ ફરાર છે, જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
​રિકન્સ્ટ્રક્શન દરમિયાન, હત્યારાને જોતાં જ પ્રકાશ માલીની પત્ની લાકડી લઈને દોડી ગઈ હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ આરોપીને માર મારવા દોડી આવ્યા હતા. મૃતકની પુત્રીએ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગણી કરી ન્યાયની અપીલ કરી હતી. પોલીસે સમયસર દરમિયાનગીરી કરી આરોપીને સલામત સ્થળે ખસેડ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here