દેશના આર્થિક વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં પર્મનન્ટ મેગ્નેટ્સ (રેર અર્થ મેગ્નેટ)ના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપનારી નવી યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

જે માટે આશરે રૂ. ૭૨૮૦ કરોડનું બજેટ નક્કી કરાયું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માટે બે રેલવે પ્રોજેક્ટ્સને પણ મંજૂરી અપાઇ છે. રેર અર્થનું ઉત્પાદન એક રીતે ચીનને જવાબ આપવામાં પણ મદદરૂપ થશે.રેર અર્થ મેગનેટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ૭૨૮૦ કરોડ રૂપિયાની યોજનાને મંજૂર કરાઇ છે. આ યોજનાને પગલે ભારતમાં જ રેર અર્થ મેગ્નેટનું પ્રોડક્શન થઇ શકશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ સ્કીમમાં ૬૪૫૦ કરોડ રૂપિયા પણ સામેલ છે કે જે આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગોને આપવામાં આવશે. ભારત રેર અર્થ માટે ચીન પર નિર્ભર ના રહે તે માટે આ પ્રોજેક્ટ ઘણો જ મહત્વનો છે. હાલમાં અમેરિકા સહિત વિશ્વના મોટાભાગના દેશો આ રેર અર્થ માટે ચીન પર નિર્ભર છે. આ ઉપરાંત ગુજરાતના દ્વારકાથી કાનાલુસ જંકશન વચ્ચેની રેલવે લાઇનને ડબલ કરવાને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેને પગલે દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે જનારા શ્રદ્ધાળુઓને મદદરૂપ થશે. સાથે જ મહારાષ્ટ્રના બદલાપુર અને કર્જત વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન સ્થાપિત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આર્થિક બાબતોની કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા. આ બન્ને પ્રોજેક્ટ્સ પાછળ આશરે ૨૭૮૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ સાથે જ પૂણે મેટ્રોનો વિસ્તાર વધારવા માટે ૯૮૫૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રેર અર્થ માટેની કેન્દ્ર સરકારની યોજના ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. રેર અર્થ ઇલેક્ટ્રિક વાહનો, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ વગેરેમાં ઉપયોગી સાબિત થઇ શકે છે. અમેરિકન જીયોલોજિકલ સરવેના ફેબુ્રઆરી મહિનાના રિપોર્ટમાં જણાવાયુ હતું કે ચીનમાં હાલ વિશ્વના અન્ય દેશો કરતા સૌથી વધુ રેર અર્થ આવેલા છે. જ્યારે બ્રાઝિલ બાદ ભારત ત્રીજા ક્રમે છે. અમેરિકાની સરખામણીએ ભારતમાં રેર અર્થનું ભંડારણ દસગણુ વધુ હોવાનું પણ અનુમાન છે. ભારતનો આ રેર અર્થ માટેનો વર્તમાન પ્રોજેક્ટ સફળ રહ્યો તો આગામી દિવસોમાં રેર અર્થ માટે ચીન પર નિર્ભર રહેવાનું ઓછુ થઇ જશે. સાથે જ રેર અર્થનું ઉત્પાદન વધશે તો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો સસ્તા પણ થઇ શકે છે. આ રેર અર્થ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાન જેવા વિસ્તારોમાંથી મળી રહે છે તેમ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું.

