નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએે અડિંગો જમાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તાર બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર સામે આવેલા ત્રણ રસ્તા પરના સર્કલની આસપાસ રખડતા ઢોરોએ અડિંગો જમાવ્યો હતો, જેના કારણે ટ્રાફિકજામ થવાની અને અકસ્માત થવાની ભીતિ વધી હતી. સ્ટેશન રોડથી શરૂ કરીને બસ સ્ટેન્ડ થઈને સંતરામ રોડ પર થઈને પારસ સર્કલ સુધી તેમજ મહાગુજરાત અને વાણિયાવાડના મુખ્ય માર્ગો પર પણ રખડતા ઢોરોનો ત્રાસ મોટા પાયે જોવા મળી રહ્યો છે.
શહેરના અન્ય ભાગોની વાત કરીએ તો, મરીડા ભાગોળથી કબ્રસ્તાન ચોકડી થઈને સોશિયલ ક્લબ રોડ સુધી અને ત્યાંથી સરદાર ભવન થઈને મીલ રોડ પર અને સંતાના ચોકડીથી કપડવંજ રોડ તરફના વિસ્તારમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત્ છે. આ વિસ્તારોમાં ઘણીવાર ઢોરોના કારણે નાના-મોટા અકસ્માતો થયાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. મહાગુજરાતથી ચકલાસી ભાગોળ થઈને ફતેપુરા રોડ પર પણ આ જ પરિસ્થિતિ છે. અનેક રજૂઆત બાદ મનપા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ફેલાયો છે અને સત્વરે આ સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.

