પાટડીના જરવલા ગામે એલસીબીનો દરોડો પાડી રૃ. ૫.૨૩ લાખનો દારૃ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાટડીના જરવલા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. રેડ દરમિયાન મકાનમાંથી ઇંગ્લિશ દારૃની ૧૦૯૪ બોટલો (રૃ. ૪.૦૧ લાખ) અને ૮૪૬ બીયર ટીન (રૃ. ૧.૧૩ લાખ) સહિત ૪૨ લિટર દેશી દારૃ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૃ. ૫.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યોે છે. જોકે, મુખ્ય આરોપી હર્ષદ ઉર્ફે હસો નાનુભાઈ ઠાકોર રાબેતા મુજબ સ્થળ પર હાજર ન હોવાથી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ રેઇડ કરાતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

