અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તરપ્રદેશના સંભલના રસુલપુર ધતરાના નજીક ગંગા એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરેલી પિકઅપ ટ્રક અને અલ્ટો કાર સામસામે અથડાઈ ગઈ. અમરોહાના આદમપુરના રહેવાસી રોહિતે તેની પત્ની રેનૂ (ઉં.વ.35), પુત્ર ભાસ્કર (ઉં.વ.7), પુત્રી રિયા (ઉં.વ.10), બહેન દેવવતી (ઉં.વ.40), ભાભી ગીતા (ઉં.વ.28) અને સાળા કિશનનો પુત્ર કપિલ (ઉં.વ.12) ગુમાવ્યા. રોહિત (ઉં.વ.38) અને તેનો મોટો દીકરો જય (ઉં.વ.13) ગંભીર રીતે ઘાયલ થયા.

પિકઅપ ટ્રકના ડ્રાઇવર અને કંડક્ટરની પણ હાલત ગંભીર છે. ગુરુવારે રાત્રે રોહિત અને તેનો આખો પરિવાર નામકરણ સમારોહમાં હાજરી આપીને તેમના પૈતૃક ગામ બિસારુથી આદમપુર માટે પરત ફરી રહ્યા હતા.
કાર-પિકઅપમાં થઈ ટક્કર
તેઓ બહજોઈના લહરાવનથી ગંગા એક્સપ્રેસ વે પર પ્રવેશ્યા. રસુલપુર ધતરા નજીક તેની કાર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી શાકભાજી ભરેલી પિકઅપ ટ્રક સાથે અથડાઈ ગઈ. આ તમામ ગંભીર રીતે ઘાયલ થયા. ગ્રામજનોની મદદથી તેમને યુપી 112 અને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
એક જ પરિવારના 6 લોકોના મોત
છ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. રોહિત અને જયની સારવાર ચાલી રહી છે. પિકઅપ ડ્રાઇવર અને કંડક્ટરની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માતની માહિતી મળતાં, એએસપી કુલદીપ સિંહ અને પોલીસ કાફલો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ક્ષતિગ્રસ્ત વાહનોને ઘટનાસ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા.
રોહિતના ભાઈ સુનિલે જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષ પહેલા આદમપુરમાં સ્થાયી થયા હતા. રોહિત ત્યાં એક ઝવેરાતની દુકાન ચલાવે છે. ગુરુવારે બિસારુ ગામમાં તેના નાના ભાઈ ડેવિડના પુત્રના નામકરણ સમારોહ હતો, તેથી બધા સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.સુનિલે જણાવ્યું હતું કે, તેની પત્ની ગીતાનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દરમિયાન, જ્યારે અકસ્માતના સમાચાર આદમપુર અને બિસારુ પહોંચતા જ ચકચાર મચી ગઈ. લોકો તેમના વાહનોથી જિલ્લા હોસ્પિટલમાં દોડી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

