અમદાવાદના વોન્ટેડ આરોપીએ તાંત્રિક વિધિના બહાને વડોદરાની ત્રણ વ્યક્તિઓ પાસેથી દાગીના લઇ સોની પાસે ગીરવે મૂકી દઇ છેતરપિંડી કરી હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયા રોડની રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારૃં બીજું મકાન હરણી રોડ વિજય નગર સોસાયટીમાં છે. તે મકાન અમે હિતેશભાઇ ઉર્ફે યાજ્ઞિાક ઉર્ફે ઘનશ્યામ મહારાજને ભાડે આપ્યું હતું. તેઓ તેમના પત્ની સાથે રહેતા હતા. તેમની સાથે અવારનવાર વાતો થતી હતી. એક દિવસ હિતેશભાઇએ મને કોલ કરીને કહ્યું કે, તમારા લગ્નમાં ગ્રહો નડે છે. જેથી, તમારા લગ્ન નક્કી થતા નથી. તેઓએ જણાવ્યું હતું કે, ગ્રહ દોષને દૂર કરવા માટે તમારા ઘરમાં રહેલા દાગીનાની પૂજા કરવી પડશે. ગત ૨જી જુલાઇએ મેં તેઓને અઢી તોલા વજનની વીંટી અને ચેન કિંમત રૃપિયા અઢી લાખના આપ્યા હતા. તેઓએ વિધિ કરીને ૧૦ દિવસમાં દાગીના પરત કરી દેવા કહ્યું હતું. આ ઉપરાંત મારા ક્રેડિટ કાર્ડ પર ૪૦ હજારનું ફ્રિજ, ૪૦,૮૦૦ રૃપિયાનું એ.સી. લીધા હતા. તેમજ રોકડા ૩૦ હજાર પણ આપ્યા હતા. તેઓએ દાગીના એક લાખમાં સોની તપન નવીનચંદ્ર શાહ (રહે. બદ્રીકેદાર એપાર્ટમેન્ટ, દિપીકા ગાર્ડન પાસે, કારેલીબાગ, વડોદરા) પાસે ગીરવે મૂકી દીધા હતા.

