વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ અનેક વિસ્તારોનો યથાવત રહ્યો છે ત્યારે લાઈનમાં અવારનવાર થતાં ભંગારના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના કરોડિયા-ઊંડેરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતા સ્થાનિકોમાં કકળાટ છે. જ્યારે હરણી રોડ પર લાઈનમાં થયેલા ભંગાણના કારણે હજારો લિટર પાણી વેડફાયુ છે. વિવિધ સ્ત્રોતમાંથી પાણી પૂરતું હોવા છતાં વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેસરથી પણ પાણી નહીં મળતું હોવા અંગે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો થઈ હતી.

શહેરના તમામ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વધારાનું પાણી મળે તેવી નવી લાઈન નાખવાની કામગીરી માટે પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક ટાંકી પરથી પાણી વિતરણ ચાર ટાઈમ સુધી કરવામાં આવ્યું નથી પરિણામે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પાણીના ટેન્કર માટે લાંબા લિસ્ટના અંતે કલાકોની હેરાનગતિ બાદ પાણીના ટેન્કર મળતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જ્યારે વોર્ડ નં. 8માં આવતા ઉંડેરા, કરોડીયા, યોગેશ્વર પાર્ક, કિસ્મતનગર, ગાયત્રી કૃપા, ખોડીયારનગર, વિજયનગર, પ્રભુનગર, નવદુર્ગા જેવી સોસાયટીઓમાં પણ કોઈપણ જાતની જાણ વિના છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિકો પાણી વિના હેરાન થઈ ગયા છે.

