અમદાવાદમાં ડિજિટલ સેલેરીની આડમાં કર્મચારીઓના વ્યક્તિગત દસ્તાવેજોના ગેરકાયદે ઉપયોગથી લાખો રૂપિયાની લોન લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ટ્રોકો લોજીસ્ટિક પ્રા.લી. નામની કંપનીના માલિક કરણ બોથરા, ઓપરેશન મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણેય પર કર્મચારીઓની અજાણમાં અવન્તિકા ફાયનાન્સમાંથી 8,20,638 રૂપિયા જેટલી લોન લઈને ભરપાઈ ના કરી હોવાનો આરોપ છે.

જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, ફરિયાદી શાકીર શેખ કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ 2025ના ફેબ્રુઆરીમાં મેનેજર તથા સુપરવાઈઝરે માલિક કરણ બોથરાના સંદેશાના હવાલે કહ્યું હતું કે હવે કંપની પગાર ‘ડિજિટલ સેલેરી’ તરીકે આપશે, જેથી દરેક મહિનાના અંતે થતો વિલંબ ટાળવામાં આવશે. આ બહાને કર્મચારીઓના મોબાઈલમાં ‘કર્મા લાઈફ’ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી અને તેમની પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જરૂરી KYC દસ્તાવેજો અપલોડ કરાવવામાં આવ્યા હતા. કર્મચારીઓને લાગ્યું કે આ પ્રક્રિયા પગાર વ્યવસ્થા સરળ બનાવવા માટે છે, પરંતુ પાછળથી ખુલ્યું કે તેમના જ દસ્તાવેજોના આધારે કંપનીના સંકળાયેલા માણસોએ લોન લીધી હતી.કર્મચારીઓને ‘કર્મા લાઈફ’ એપમાં પગાર નામે જે રકમ ઉપાડવામાં આવી હતી, તે અવન્તિકા ફાયનાન્સમાંથી પ્રતિ કર્મચારીના નામે લીધેલી લોનની જ રકમ હતી. કર્મચારીઓ અજાણમાં આ રકમને પગાર સમજીને ઉપયોગ કરતા રહ્યા, પરંતુ લોનની EMI અથવા લોનની ભરપાઈ કંપની કે માલિક તરફથી કરવામાં આવી નહોતી.
જૂન 2025ની શરૂઆતમાં આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે શાકીર શેખના સહકર્મી સલમાન યુનુસ શેખ મોબાઈલ ફાઇનાન્સ માટે બજાજ ફાયનાન્સની ઓફિસે ગયા. ત્યાં તેમને જણાવાયું કે તેમના પાન પર પહેલેથી જ અવન્તિકા ફાયનાન્સની બાકી લોન છે. આ જાણકારી પછી અન્ય કર્મચારીઓએ પણ પોતાના દસ્તાવેજ ચકાસ્યા તો તેઓના નામે પણ લોન પ્રવર્તમાન હોવાનું સામે આવ્યું. શાકીર શેખે પોતાનું સીબિલ સ્કોર તપાસ્યું ત્યારે તેમના નામે પણ લોન બાકી હોવાનું પુષ્ટિ થયું. કર્મચારીઓએ આ અંગે મેનેજર અને સુપરવાઈઝરને પ્રશ્ન કર્યા ત્યારે માલિક કરણ બોથરાએ લોનની ભરપાઈ કરવાની વાત કહીને તેમને શાંત પાડ્યા. માલિકે લોન કંપની દ્વારા ભરવાની છે એવું પણ જણાવ્યું હતું, પરંતુ મહિના સુધી રાહ જોવા છતાં લોનની રકમ ભરાઈ નહોતી. એ દરમિયાન ફેબ્રુઆરીથી મે 2025 સુધી શાકીર શેખે કુલ રૂ. 41,330 પગાર રૂપે ઉપાડ્યા હતા, જે પછી ખબર પડી કે તે લોનની જ રકમ હતી.
આ પછી શાકીર શેખે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી. કુલ રૂ. 8.20 લાખની લોનની છેતરપિંડી સામે કંપની માલિક સહિત ત્રણે સંકળાયેલા અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને કર્મચારીઓના સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કેવી રીતે થયો અને લોન પ્રક્રિયામાં કોનો સમાવેશ છે તે અંગે કાર્યવાહી હાથ ધરી છે.

