દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા ત્રણ વિદેશી નાગરિકો સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો એક એવું નેટવર્ક ચલાવતા હતાં જે કુરિયર સર્વિસ દ્વારા તેલંગણામાં નાર્કોર્ટિક્સ સપ્લાય કરતું હતું. પોલીસે રૃ. ૧૨ કરોડ રૃપિયાનું નાર્કોટિક્સ જપ્ત કર્યુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુખ્યત્વે આફ્રિકન નાગરિકો દ્વારા ચલાવવામાં આવતા આ ડ્રગ્સ નેટવર્કનાં લોકો કુરિયર કરવામાં આવતા શર્ટના કોલરમાં પ્રતિબંધિત વસ્તુઓ છુપાવીને રાખતા હતાં.
જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) સુરેન્દ્ર કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની સાથે મળી દિલ્હી અને તેલંગણા પોલીસે એક જોઇન્ટ ઓપરેશનમાં આ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે નેટર્વક સાથે જોડાયેલા ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત કરી તેમની દેશનિકાલની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે.
ત્રણ મહિના પહેલા તલંગણા પોલીસે હૈદરાબાદમાં એક ડ્રગ સપ્લાય મોડયુલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક એવા નેટવર્કની જાણ થઇ હતી જે નાર્કોટિક્સ ટ્રાન્સપોર્ટ કરવા માટે કુરિયર સર્વિસનો ઉપયોગ કરતું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુઓ કુરિયર સર્વિસ દ્વારા મોકલવામાં આવતા શર્ટનાં કોલરમાં સંતાડીને રાખવામાં આવતી હતી.
કુમારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડ્રગ્સ દિલ્હીથી મંગાવી તેલંગણામાં સપ્લાય કરવામાં આવતું હતું. દિલ્હી-એનસીઆરમાં અનેક સ્થળોએ દરોડા પાડી દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

