ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-૨ની ટીમે પોકસો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહેલા અને પેરોલ પર છૂટયા બાદ ફરાર થયેલા એક કેદીને દહેગામના લવાડ ખાતેથી ઝડપી લીધો હતો અને હાલ જેલ હવાલે કરી દીધો છે.

ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પગલે એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા ટીમોને તાકીદ કરવામાં આવી હતી અને આ ટીમોએ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓની યાદી તૈયાર કરી હતી. સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ કેદીઓ અને આરોપીઓના આશ્રયસ્થાનો વિશે માહિતી એકત્રિત કરવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, પોકસો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં ૨૦ વર્ષની સજા સજા ભોગવી રહેલા અને પેરોલ પર છૂટયા બાદ ફરાર થયેલો પાકા કામનો કેદી હાલ દહેગામ તાલુકાના લવાડ ગામમાં પોતાના ઘરે હાજર છે. બાતમીના આધારે પોલીસે લવાડ ગામમાં વોચ ગોઠવીને કેદી નરેન્દ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ રહે. દોલતપુરા, લવાડ, તા. દહેગામને ઝડપી પાડયો હતો. આ આરોપી વડોદરા મધ્યસ્થ જેલનો કેદી છે. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.

