સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં જોડાયેલા બૂથ-લેવલ ઓફિસરો (BLO) પર કામના અતિશય ભારણ અને તણાવને કારણે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં એક મહિલા BLOએ ફોર્મ સમયસર પરત ન મળતાં સોસાયટીના એક અગ્રણીને ફોન કરીને ધ્રૂસકે ધ્રૂસકે રડતાં આજીજી કરી હતી અને આપઘાત કરી લેવા સુધીની માનસિક સ્થિતિનું નિરૂપણ કર્યું હતું. આ ઓડિયો ક્લિપ વ્યાપકપણે વાઈરલ થઈ રહી છે.
વાઈરલ થયેલા ફોન કૉલમાં મહિલા BLOએ સ્પષ્ટપણે પોતાની કપરી સ્થિતિ રજૂ કરી હતી. મહિલા BLOએ સોસાયટીના અગ્રણીને આજીજી કરી કે લોકો ફોર્મ પરત આપવામાં ગંભીરતા નથી દાખવતા, જેના કારણે તેમનું કામ અટકેલું છે. વાત ન મનાતા તેમણે રડતાં રડતાં કહ્યું કે, ‘જો મને સમયસર ફોર્મ નહીં મળે તો હું આપઘાત કરી લઈશ.’

તેમણે જણાવ્યું કે BLO તરીકેની કપરી કામગીરી ન કરવા માટે તેમણે રાજીનામું પણ ધરી દીધું છે, છતાં તે સ્વીકારવામાં આવ્યું નથી. મોડી રાત સુધી ઘરના તમામ કામ મૂકીને તેમને આ કામગીરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જેના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી તણાવનો સામનો કરી રહ્યા છે.
મહિલા BLOએ એવું પણ જણાવ્યું હતું કે ફરિયાદ કરવામાં આવે તો તેમને કાયદેસરના પગલાં લેવાની ધમકી આપવામાં આવે છે, જેથી તેમને ફરજિયાતપણે આ કામ કરવું પડે છે.
હાલમાં ગુજરાતમાં SIRની કામગીરીને કારણે છ જેટલા BLO હાર્ટએટેકનો ભોગ બન્યા હોવાના અહેવાલો છે. સંખ્યાબંધ ઉંમરલાયક BLOએ પણ તણાવને કારણે પોતાની નાદુરસ્ત તબિયતની ફરિયાદ કરી છે. સોસાયટીના અગ્રણીએ આખી વાતને ગંભીરતાથી લઈને મહિલા BLO કોઈ ખોટું પગલું ન ભરે તે માટે તેમને સમજાવ્યા હતા. BLO પર કામગીરીના ભારણની આ સ્થિતિ વહીવટી તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.
