ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબ રાજ્યના હત્યાના એક ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી જામનગરના મેઘપર વિસ્તારમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરીને છૂપાયેલો હતો.
ગત મહિને પંજાબના અમૃતસરના A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, બિક્રમજીતસિંઘ અને જોનની પંજાબ પોલીસે અટકાયત કર્યા બાદ, તેમણે અન્ય વોન્ટેડ આરોપી તરીકે લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું હતું. વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘની માહિતી પંજાબ પોલીસે ગુજરાત ATS સાથે શેર કરી હતી.

ગુજરાત ATSના તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘ હત્યા બાદ જામનગર ખાતે આવેલ મેઘપર વિસ્તારની કંપનીઓમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરવાના હેતુથી એક દિવસ પહેલા જ આવ્યો છે.
ગુજરાત ATS દ્વારા તાત્કાલિક આ માહિતી અંગે જામનગર SOGને જાણ કરવામાં આવી હતી. જામનગર SOGએ ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મેઘપર ખાતે આવેલી ચાલીમાં રહેતા લવપ્રિતસિંઘની ઓળખ કરી તેને દબોચી લીધો હતો. વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી લવપ્રિતસિંઘ હરજીતસિંઘે ધરમવિરસિંઘ અને અન્ય સાગરીતો સાથે મળીને અમૃતસર બસ સ્ટેન્ડ ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાના કાવતરામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી લીધી છે. ગુજરાત ATS દ્વારા હવે આ વોન્ટેડ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમૃતસર સિટી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

