VADODARA : રતનમહાલનું જંગલ મૂળે રીંછોનું રહેઠાણ, ૬૬ જેટલા રીંછોનો વસવાટ

0
39
meetarticle

વડોદરાઃ મધ્ય ગુજરાતના રતનમહાલના જંગલોમાં વાઘે છેલ્લા કેટલાક મહિનાઓથી ધામા નાખ્યા હોવાના કારણે આ વિસ્તાર રાતોરાત ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે રતનમહાલના જંગલો મૂળ તો રીંછોનુ નિવાસ સ્થાન છે અને  તેના કારણે આ વિસ્તારને અભ્યારણ્યનો દરજ્જો  મળ્યો છે.ગત વર્ષે વડોદરા સર્કલના વન વિભાગ દ્વારા કરાયેલી આંતરિક વસ્તી ગણતરી પ્રમાણે રતનમહાલ  અભ્યારણ્યમાં ૬૬ રીંંછો વસવાટ કરી રહ્યા છે.૨૦૨૪-૨૫ના  વર્ષમાં ૧૩૦૦૦ કરતા વધારે લોકોએ રતનમહાલ અભ્યારણ્યની મુલાકાત લીધી હતી.

ગુજરાત આમ તો ગીરના સિંહોના કારણે વધારે જાણીતું છે પણ રાજ્યમાં રીંછોની પણ નોંધપાત્ર વસ્તી છે.૨૦૨૨માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં રીંછોની વસ્તી ૩૫૮ હોવાનો અંદાજ  છે.રતન મહાલ અભ્યારણ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રીંંછોની વસ્તીમાં કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.વન વિભાગના સૂત્રોનું એવું પણ કહેવું છે કે, દરેક રીંછને તેના દેખાવના આધારે અલગ તારવી શકાય તેમ નથી હોતું.એટલે તેની વસ્તીની સંખ્યામાં થતા પરિવર્તનને નોંધવા અશક્ય છે એટલે વસ્તી ગણતરીના આંકડા ઓછા વિશ્વાસપાત્ર હોય છે.

રીંછને મહત્તમ ૧૮ કિમીનો વિસ્તાર પરિભ્રમણ માટે જોઈએ 

ચોમાસા સિવાયની સુકી ઋતુમાં નર રીંછને ઓછામાં ઓછા ૧.૧૪ કિમી અને વધારેમાં વધારે ૧૩.૫ કિમી વિસ્તારની પરિભ્રમણ માટે જરુર પડે છે.ચોમાસાની ઋતુમાં તે ઓછામાં ઓછા ૧.૦૫ કિમી અને વધારેમાં વધારે ૨૧.૮ કિમી વિસ્તારમાં પરિભ્રમણ કરે છે.

તેની સામે માદા રીંછ સુકી ઋતુમાં ૧.૩૧ કિમીથી માંડી ૧૩.૬ કિમી અને ચોમાસામાં ૦.૮૭ કિમીથી માંડીને ૧૮  કિમી વિસ્તારમાં પરિભ્રમણ કરે છે.

જંગલના ઠંડા અને છાંયડાવાળા વિસ્તારો પસંદ

રીંછ સામાન્ય રીતે ભેજયુક્ત અને સુકા ઉષ્ણકટિબંધિય પાનખર જંગલોમાં ૫૦૦ થી ૨૦૦૦ મીટર સુધીના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે.એ રીતે જોવામાં આવે તો તેને રતન મહાલના જંગલો વધારે અનુકુળ આવે છે.તેને ઠંડા અને છાંયડાવાળા વિસ્તાર પસંદ હોય છે.તેથી તેની ગુફા પથ્થરોની નીચે ઝાડી ઝાંખરામાં કે બખોલમાં બનાવે છે.રીંછ મોટાભાગે ઠંડા સમયે વધારે સક્રિય હોય છે.મોટાભાગે તે નિશાચર હોય છે.

રતનમહાલના જંગલોના રીંછની ખાસિયતો 

–ભારતમાં ૧૯ રાજ્યોમાં રીંછની આઠ પ્રજાતિઓ પૈકી સ્લોથ બેર તરીકે ઓળખાતા રીંછ જોવા મળે છે.રતન મહાલના જંગલોમાં પણ આ જ પ્રકારના રીંછો છે.

–તેની છાતી પર યુ અથવા વાય આકારનું નિશાન હોય છે.જે તેની આગવી ઓળખ છે.

–રતન મહાલમાં જોવા મળતા સ્લોથ બેર બેજોડ છે.કારણકે જ્યારે તે પુખ્ત બને છે ત્યારે તેના મોઢામાં ૪૦ દાંત હોય છે.દુધ પીતા બચ્ચાને ૪૨ દાંત હોય છે.આગળના પંજાના નહોર ૬ થી ૮ સેમી લાંબા અને થોડા વળેલા હોય છે.જે તેને જમીન ખોદવા કે ઢોળાવ ચઢવામાં મદદ કરે છે.

–નરનું કદ માદા કરતા વધારે હોય છે.નરનું વજન ૮૦ થી ૧૪૦ કિલો અને માદાનું વજન ૫૫ થી ૯૫ કિલો હોય છે.

–રીંછ મોટાભાગે એકાકી હોય છે.માદા રીંછ બચ્ચા હોય તો સાથે જોવા મળે છે.નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સામાન્ય રીતે બે થી ત્રણ બચ્ચાને ગફામાં જનમ આપે છે અને તેમની સાથે બે થી ત્રણ મહિને ગુફામાં જ રહે છે. બચ્ચા બે વર્ષના થાય ત્યાં સુધી માદા તેમને સાથે રાખે છે.

–આ રીંછોને ફળ, જીવડા અને ખાસ કરીને કીડી તેમજ ઉધઈ ખાવાની પસંદ છે.તે આગળના પંજાથી ઉધઈનો રાફડો તોડે છે.પગના નખના કારણે તે ઝાડ પર ચઢીને ફળ કે મધપૂડો શોધી શકે છે.મહુડાના ફુલો, કેરી, મકાઈ, શેરડી અને જેક ફ્રુટ રીછને પસંદ છે.મધ માટે તે મધમાખીઓના ડંખ પણ સહન કરી લે છે.

માણસો અને રીંછોનો ટકરાવ વધવા પાછળના કારણો 

રતન મહાલના જંગલોમાં રહેતા રીંંછો અને માણસો વચ્ચે ટકરાવ વધી રહ્યો છે.તેના એકથી વધારે કારણો છે તેવું જાણકારોનું કહેવું છે.

–રીંછો માટે પ્રાકૃતિક આવાસના સ્ત્રોત ઘટી રહ્યા છે અને તેના કારણે રીંછ માનવ વસાહતમાં ખોરાક અને પાણી માટે જવું પડી રહ્યું છે.આર્થિક રીતે ફાયદો કરાવે તેવા ફળો પણ ગામડાઓની નજીક ઉગાડાતા હોવાથી રીંછ ગામડા તરફ જાય છે.

–મહુડાની સીઝનમાં મહુડાના ફૂલ , ઈંધણ માટે લાકડા  માટે સ્થાનિક લોકો જંગલમાં જતા હોય છે અને રીંછ સાથે તેમનો આમનો સામનો થઈ  જાય છે.

–ડુંગર નવડાવવાની પ્રથાના કારણે આગ લાગવાથી અને જંગલોમાં ઉનાળામાં લાકતી આગને બૂઝાવવાની કામગીરી દરમિયાન વન વિભાગના સ્ટાફ કે ગ્રામજનો સાથે રીંછના  સંઘર્ષની ઘટનાઓ બને છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here