જૂનાગઢ મનપાના કચરાના કડદામાં એક બાદ એક ગોટાળા અને બેદરકારીઓ સામે આવી રહ્યા છે. ઘન કચરાના નિકાલ માટે અગાઉ 4.28 કરોડનું જે કામ આપ્યું હતું તેની મુદ્દત ત્રણ માસની હતી, તેને બદલે સાત મહિના બાદ પણ એજન્સીનું કામ પૂર્ણ થયું નથી અને મુદ્દત વધારવામાં આવી ન હતી છતાં પણ તેને બિલ ચૂકવી દેવાયું છે. એનજીટીની ગાઈડલાઈન મુજબ ટેન્ડર સહિતની પ્રક્રિયા માટે સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને કામગીરી સોંપવાનું પણ શંકાસ્પદ છે એ સંજોગોમાં પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચ્યું છે.શહેરી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જૂનાગઢ મનપાના સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારી અને તેને એસડબ્લ્યુએમ પ્રોજેક્ટના ઈન્ચાર્જ અધિકારી બનાવી દેવાયા છે તે અધિકારીએ તા.22-10-2024ના જય વચ્છરાજ રોડવેઝ એન્ડ અર્થ મુવર્સને 1.06 લાખ ટન કચરાના નિકાલ માટે 4.28 કરોડનું કામ શરૂ કરવા વર્ક ઓર્ડર આપી દીધો હતો. એજન્સીએ તા. 19-4-2025 ના એસડબ્લ્યુએમ પ્રોજેક્ટ ઓફિસરને પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, ‘આ કામગીરી અમારા વર્કઓર્ડર પ્રમાણે પૂર્ણ થવા પર છે, જો અમને નવું કામ આપવામાં આવે તો અમે વર્ક ઓર્ડરના ભાવ મુજબ કામગીરી કરવા તૈયાર છીએ’. 22 જાન્યુઆરી 2025ના મુદ્દત પૂર્ણ થાય છે છતાં પણ 19-4ના કામગીરી ચાલુ છે તેનો મતલબ સ્પષ્ટ છે કે મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ ત્રણથી ચાર માસ સુધી કામગીરી શરૂ હતી પરંતુ આ કામગીરીની મુદ્દત વધારવામાં આવી હોય તેવો રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ કામ પૂર્ણ ન થયું હોય તો તેનું બિલ ચુકવવામાં આવતું નથી અથવા તેને યોગ્ય કારણ હોય તો મુદ્દત વધારો મળે છે. મુદ્દત વધારા વગર એજન્સીને બિલ ચુકવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઘન કચરાને લગતી તમામ મહત્વની કામગીરી જવાબદાર અને સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને સોંપી દેવામાં આવી છે. તે અધિકારી આ વિષયને લઈ કેટલા નિષ્ણાંત હોય કે એનજીટી, જીપીસીબી, સીપીસીબીની ગાઈડલાઈનનું કેવી રીતે પાલન કરાવી શકે તે પણ એક પ્રશ્ન છે. આ સમગ્ર કામગીરીમાં થર્ડ પાર્ટી એજન્સી તરીકે સી.સી. પટેલ એન્ડ એસોસિએટ અમદાવાદને કામગીરી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ થર્ડ પાર્ટી એજન્સીનો પણ એકાદવાર અભિપ્રાય લેવામાં આવ્યો છે. જ્યારે જ્યારે બિલ થાય ત્યારે લેવાનો થતો અભિપ્રાય પણ ન લેવાયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જૂનાગઢ મનપાના કચરાના કડદાએ ભાજપના શાસકો અને કમિશનરની શાખને મોટું નુકસાન પહોંચાડયું છે. આ મુદ્દો ગાંધીનગર સચિવાલય તથા ભાજપના નેતાઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હવે ક્યારે અને કઈ દિશામાં કેવી તપાસ થશે તે મહત્વનું બની ગયું છે.

