અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) અમદાવાદમાં ફરી એકવાર SMCએ રેડ કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એસ. પી. રીંગ રોડ પર આવેલા બાકરોલ નજીકથી SMCની ટીમે બાતમીને આધારે ઘેટાં-બકરાંના વાળ ભરેલા કોથળામાં છુપાવેલો કરોડોનો દારૂની હેરફેર ઝડપી છે. દારૂની હેરફેર કરતો આઈસરચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે અને 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, SMCની ટીમે બાતમીને આધારે એસ.પી. રિંગરોડ પર આવેલા બાકરોલ ટોલ નાકાથી સનાથલ તરફ જતાં રસ્તા પર એક બંધ બોડીના ટ્રક તપાસ કરી હતી. અહીં આઇસર માલિક હાજર નહોતો. જે બાદ પોલીસે લોખંડના પાના વડે સીલ અને લોક તોડીને ટ્રકના દરવાજા ખોલ્યા હતા. આ દરવાજા ખોલતા જ અંદરના ભાગમાં ઘેટા-બકરાના વાળ ભરેલા કોથળાઓની થપ્પીઓ જોવા મળી હતી. આ કોથળાઓ હટાવતા, તેની નીચે પ્લાસ્ટિક પાથરેલું હતું અને તેની નીચે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવેલો હતો.પોલીસે સરકારી પ્લોટમાં મજૂરો મારફતે ટ્રક ખાલી કરાવતા ઘેટા-બકરાના વાળ ભરેલા આશરે 196 કોથળાઓ ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 53,369 બાટલીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 1,20,08,025 છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા રૂ. 30,00,000ની કિંમતના ટ્રક સહિત, કુલ રૂ. 1,50,08,025ની મતાનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકમાંથી ફાસ્ટટેગ, ફ્યુઅલ અને ટોલ પાવતી જેવા કાગળો પણ મળી આવ્યા હતા. SMC દ્વારા આ ગુનામાં ટ્રક માલિક, દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

