નાની મોટી વસ્તુઓ ભુલી જવાય તે સમજી શકાય પણ શું કરોડો રૂપિયાનું વિમાન કોઇ ભુલી જાય? કોલકાતા એરપોર્ટ પર એર ઇન્ડિયા એક વિમાન ભુલી ગઇ હતી. છેલ્લા ૧૩ વર્ષથી આ વિમાન એરપોર્ટ પર પડયું રહ્યું, હવે જ્યારે કંપનીને અચાનક યાદ આવ્યું તો આ વિમાન છોડાવવામાં આવ્યું અને બાદમાં તેને વેચી દેવામાં આવ્યું. જોકે આ ભુલને કારણે એર ઇન્ડિયાએ કોલકાતા એરપોર્ટને વિમાન રાખવા બદલ એક કરોડ રૂપિયાનું ભાડુ ચુકવવુ પડયું હતું.

કોલકાતા એરપોર્ટે અંતે ૧૩ વર્ષ બાદ એર ઇન્ડિયાના આ ૪૩ વર્ષ જુના વિમાન બોઇંગ ૭૩૭-૨૦૦ એરક્રાફ્ટને વિદાય આપી હતી, ભુલાઇ ગયેલા આ વિમાનને કોલકાતા એરપોર્ટ પર ૨૦૧૨માં પાર્ક કરવામાં આવ્યું હતું, જે બાદ તેને છોડાવવાનું કે ત્યાંથી અન્ય સ્થળે ખસેડવાનું એર ઇન્ડિયા ભુલી ગઇ હોય તેમ ૧૩ વર્ષ સુધી તેને ત્યાં જ પડયું રહેવા દીધુ હતું. અચાનક યાદ આવ્યું કે કરોડો રૂપિયાનું આ વિમાન એરપોર્ટ પર ધૂળ ખાઇ રહ્યું છે તો કંપનીએ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો.સપ્ટેમ્બર ૧૯૮૨માં આ વિમાન ઇન્ડિયન એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. બાદમાં ૧૯૯૮માં એલાયંસ એરને લીઝ પર આપવામાં આવ્યું હતું. બાદમાં જુલાઇ ૨૦૦૭માં ઇન્ડિયન એરલાઇન્સ પાસે કાર્ગો વિમાન તરીકે પરત આવ્યું હતું, ઓગસ્ટ ૨૦૦૭માં ઇન્ડિયન એરલાઇન્સ મર્જ થતા એર ઇન્ડિયા પાસે આ વિમાન આવ્યું હતું. બાદમાં ૨૦૧૨માં આ વિમાનને ડિકમિશન કરાયું હતું એટલે કે તેનો ઉપયોગ બંધ કરાયો હતો. ત્યારથી આ વિમાન કોલકાતા એરપોર્ટ પર પાર્કિંગમાં રખાયું હતું. શરૂઆતમાં આ વિમાન હેંગરમાં હતું બાદમાં ખુલ્લી જગ્યાએ રાખવામાં આવ્યું હતું. ખુદ એર ઇન્ડિયાના સીઇઓ કમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે તાજેતરમાં જ અમને જાણકારી મળી કે આ વિમાનના અમે માલિક છીએ. આ વિમાનને બાદમાં ટ્રાન્સપોર્ટની મદદથી બાય રોડ બેંગલુરુ રવાના કરાયું હતું. આ વિમાનનો ઉપયોગ હવે એન્જિનિયર્સની તાલિમ માટે કરાશે. નોંધનીય છે કે એર ઇન્ડિયા વર્ષ ૨૦૨૨ સુધી સરકાર હસ્તક રહી, જે બાદ ટાટા ગુ્રપે તેની માલિકી લીધી હતી.

