વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) ટીમે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા બે ચર્ચાસ્પદ આરોપીઓને હરિયાણાના પાનીપત ખાતેથી ઝડપી પાડ્યા છે. આ બંને કેદીઓ જેલમાંથી છૂટ્યા બાદ લગ્ન કરી એક નવો સંસાર શરૂ કરી ચૂક્યા હતા.

આ પકડાયેલા આરોપીઓમાં વલસાડ રૂરલના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ મહિલા કેદી કિન્નરી કોળીપટેલનો સમાવેશ થાય છે, જે તા. ૦૯/૧૦/૨૦૧૭ થી (લગભગ ૮ વર્ષથી) ફર્લો રજા જમ્પ કરી ફરાર હતી. બીજો આરોપી મોહંમદ રીયાઝ મન્સુરી સુરત શહેર લીંબાયતના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને તે પણ તા. ૨૮/૦૫/૨૦૧૮ થી પેરોલ રજા જમ્પ કરી ફરાર હતો.
એસ.ઓ.જી. ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી સચોટ માહિતી મેળવી કે આ બંને ફરાર કેદીઓએ લાજપોર જેલમાંથી છૂટ્યા બાદ લગ્ન કરી લીધા હતા અને હરિયાણાના પાનીપત ખાતે વિકાસ નગર વિસ્તારમાં સ્થાયી થઈ ગયા છે. તેઓ ત્યાં “અયાન એન્ટરપ્રાઇઝ” નામની કાર્પેટ-ચાદરનો હેન્ડલુમનો વેપાર ચલાવતા હતા.
સચોટ માહિતીના આધારે S.O.G. ની ટીમે તાત્કાલિક પાનીપત જઈને તેમની દુકાન પરથી બંને આરોપીઓને શોધી કાઢ્યા હતા. તેમની વિરુદ્ધ વલસાડ રૂરલ અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓના કામે ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓને હવે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જેલ હસ્તગત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

