ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને લઇને પોલીસ પર ચારેકોરથી માછલાં ધોવાઇ રહ્યાં છે. ભાજપના રાજમાં પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તેનુ કારણ એછેકે, શાંત-સલામત ગુજરાતમાં ગુંડા-માફિયાઓ કરતાં પણ ખાખી ‘દબંગગીરી ’વધી રહી છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ગુંડા-માફિયાઓ કરતાં પોલીસ વિરુદ્ધ વધુ ફરિયાદો પહોંચી છે.

ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 1024 અરજી જ્યારે પોલીસ સામે 4535 ફરિયાદો
શાંત-સમૃદ્ધ ગુજરાતમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં અસામાજીક તત્ત્વોને જાણે મોકળું મેદાન મળ્યુ છે. સાથે સાથે રક્ષક જ ભક્ષક બન્યાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાખી સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. પોલીસ ખાખી વર્દીનો દૂરપયોગ કરી રહી છે તેવું ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે. આ કારણોસર પોલીસની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છેકે, વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2020-21 સુધી ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 912 ફરિયાદો મળી હતી જ્યારે આ સમયગાળા દરમિયાન પોલીસ સામે 3307 ફરિયાદો મળી હતી. વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2023-24 સુધી ગુંડા-માફિયાઓ સામે 112 અરજીઓ મળી હતી જ્યારે પોલીસ વિરુદ્ધ 1228 ફરિયાદો મળી હતી. ભલે મે આઇ હેલ્પ યુના સુણિયાણી વાતો કરનાર પોલીસનો જનતા સાથેનો વ્યવહાર કેવો છે તે વાત ખુલ્લી પડી છે.
માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ એવી ફરિયાદો આવી છે જેમાં એવો આરોપ છેકે, પોલીસ નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી રહી છે. નિયમને નેવે મૂકી બેકસૂરની ખોટી રીતે ધરપકડ કરી રહી છે. જેલમા પણ મારપીટ જ નહી, જાતીય સતામણી કરવામાં આવી રહી છે. ઘણાં કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોધતી નથી. આ બધા આરોપને લઇને રાજ્ય માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદો થઇ રહી છે. રાજ્ય માનવ અધિકાર આયોગને મહિને સરેરાશ 3 હજાર ફરિયાદો મળી રહી છે. આયોગે પણ આ મામલે ગંભીર નોધ લીધી છે. આમ, ગુજરાતમાં ભાજપના શાસનમાં ખાખી લજવાઇ રહી છે.

