વસોના પીજ ગામમાં વાસ્મો યોજના હેઠળ ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી છેલ્લા એક વર્ષથી શરૂ જ થઇ નથી. ટેકનિકલ ખામીના કારણે ટાંકી બંધ રહેતા ૫થી૭ હજાર લોકોને પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડયો છે. આ મામલે વાસ્મોની કચેરીમા રજૂઆત કરતા દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી છે.

તાલુકાના પીજ ગામમાં એક વર્ષ અગાઉ ટાંકી તૈયાર કરી હતી. નવી ટાંકીનું પાણી ગામના છેવાડાના વિસ્તારો સુધી પૂરતા પ્રેશરથી પહોંચતું નથી. જેના કારણે જૂની અને જર્જરિત પાણીની ટાંકીને ચાલુ રાખવાની ફરજ પડી છે. આ મામલે પીજ ગામના આગેવાન રાજુ પટેલે વાસ્મો યોજનાની કચેરીમાં રજૂઆતો કરી હતી. વાસ્મો યોજનાના મેનેજર આઇ જી પટેલ સાથે શાબ્દિક ટપાટપી થઇ હતી. એક વર્ષથી ટાંકી બંધ છે અને અધિકારીઓ ફોન ઉપાડતા નથી કે સંતોષકારક જવાબ આપતા નથી. છેલ્લા છ માસથી વારંવાર રજૂઆતો છતાં પણ અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી નથી. કચેરીએ રજૂઆત કરવા જઇએ તો બે બે કલાક બેસાડી રાખે છે. આ મામલે વાસ્મો યુનિટના મેનેજર આઇ જી પટેલે જણાવ્યુ કે, પ્રોજેક્ટ પર કામ કરનાર કોન્ટ્રાક્ટના એન્જિનિયર ઉત્તર પ્રદેશના છે અને એ બે દિવસમાં આવશે. જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તે હેડ ઓફિસથી મંજૂર કરી છે અને એન્જિનિયર માપ લઇને કામ કરશે. ટેકનિકલ ખામી બે દિવસમાં એન્જિનિયર દ્વારા સુધારી લેવામાં આવશે અને દસ દિવસમાં પૂરતા પ્રેશરથી પાણી મળવાની હૈયાધારણા આપી છે.

