RAJKOT : વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ

0
36
meetarticle

ભેસાણ તાલુકાના તડકા પીપળીયાના વકીલે વલસાડ પંથકમાં આવેલા વિશ્વંભરીધામ રાબડા અંગેની આરટીઆઈ કરી હતી, જેના મનદુ:ખમાં ગઈકાલે ચાર વાહનમાં આવેલા મહિલાઓ સહિતના લોકોએ યુવાનને ભેસાણ-બગસરા રોડ પર આવેલી હોટલ પાસે બેટ વડે માર માર્યો હતો. બાદમાં યુવાન તેમજ તેની સાથે રહેલા બે વ્યક્તિઓનું અપહરણ કરી ગયા હતા. આ અંગે જાણ થતા પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી હતી. આ વાહનને ધંધુકા પોલીસે પકડી લઈ યુવાન સહિત ત્રણેયને મુક્ત કરાવ્યા હતા તેમજ ચાર શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર અન્યને પકડવા પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે.આ અંગેની વધુ વિગત મુજબ, ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામમાં રહેતા વકીલ સંજય ભીખુભાઈ કાપડીયાએ વિશ્વંભરીધામ અંગે આરટીઆઈ કરી હોવાનું મનદુ:ખ ચાલતું હતું. ગઈકાલે સાંજે આ યુવાન સંજય કાપડીયા જેતપુર-બગસરા રોડ પર આવેલી હોટલ ખાતે હતો ત્યારે રાબડા ગામના પ્રશાંત સુરેશ ડેડુકીયા, મિત જગદિશ વેકરીયા, નવસારીના કમલેશ ધીરૂ રૂડાણી અને વડોદરાના અજય ઉર્ફે માસ્તર હરી બોઘરા, પંકજ પાદરા, અનિલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અજાણ્યા શખ્સો અને મહિલાઓ ચાર વાહનમાં હોટલ પર આવ્યા હતા અને સંજય કાપડીયાને ગાળો આપી બેટ વડે માર માર્યો હતો. સંજય કાપડીયા તથા તેના સાળાની હોટલમાં કામ કરતા રવિ પાસવાન અને રાજેશ શાહુને બળજબરીથી અલગ-અલગ કારમાં બેસાડી અપહરણ કરી લીધુ હતું. આ શખ્સોએ મુખ્ય હાઈવે પર જવાના બદલે ગ્રામ્ય વિસ્તારના અને સ્ટેટ હાઈવે પર થઈ ધંધુકા પંથકમાં પહોંચી ગયા હતા.

આ અંગેની જાણ થતા જૂનાગઢ પોલીસે જીલ્લા તેમજ સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરી રાજ્યભરમાં નાકાબંધી કરાવી હતી. આ દરમ્યાન આ કાર ધંધુકા તરફ હોવાની માહિતી મળતા ધંધુકા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ધંધુકા ચોકડી ખાતે પીઆઈ સહિતના સ્ટાફે નાકાબંધી દરમ્યાન કારને રોકી તેમાંથી અપહૃત સંજય કાપડીયા, રવિ પાસવાન અને રાજેશ શાહુને મુક્ત કરાવ્યા હતા. અપહરણ કરનાર પ્રશાંત સુરેશ ડેડુકીયા, કમલેશ ધીરૂ રૂડાણી, મિત જગદિશ વેકરીયા અને અજય ઉર્ફે માસ્તર હરી બોઘરાને પકડી લીધા હતા. ધંધુકા પોલીસે જાણ કરતા ભેસાણ પીઆઈ આર.પી. વણજારા સહિતનો સ્ટાફ ધંધુકા પહોંચ્યો હતો ત્યાંથી આ લોકોને ભેસાણ લઈ આવવામાં આવ્યા હતા.ટ્રસ્ટની જગ્યામાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન, તોલમાપમાં ગેરરીતિ, ગેરકાયદે બાંધકામ વગેરે બાબતોનો વિવાદ

છએક માસ પહેલા સંજય ભીખુભાઈ કાપડીયા નામના વકીલ વલસાડ પંથકમાં આવેલા વિશ્વંભરીધામ રાબડા ખાતે ફરવા ગયા હતા, જ્યાં તેણે ૧૦૧ રૂપિયાનું દાન કર્યું હતું. તેને આપવામાં આવેલી પહોંચ ડુપ્લીકેટ અને ગેરકાયદેસર હોવાનું જણાતા તેણે વલસાડ ચેરિટી કમિશનર કચેરીમાં આરટીઆઈ કરી વિવિધ માહિતી માંગી હતી. જેમાં ટ્રસ્ટની જગ્યામાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરી ગેરકાયદેસર વેંચાણ તેમજ કેન્ટીનમાં તોલમાપમાં ગેરરીતિ સામે આવતા દંડ કરવામાં આવ્યો હતો તેમજ પાઠશાળાના બિલ્ડિંગમાં ઉપરના માળે ગેરકાયદેસર હિમાલય સીલ કરવા હુકમ થયો હતો. ગેરકાયદેસર બાંધકામમાં સ્ટેમ્પ ડયુટી ચોરીનો મોટો દંડ થવાનો હોવાથી મનદુ:ખ ચાલતું હતું.

તમામ RTI પરત ન ખેંચે તો સુડીથી આંગળા કાપી નાખવા ધમકાવ્યો

આ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સંજય કાપડીયાએ આરટીઆઈ કરી હોવાથી અપહરણકર્તાઓએ કારમાં માર મારી ગાળો આપી વિશ્વંભરીધામ રાબડા અંગેની જેટલી આરટીઆઈ કરેલી છે તે પરત ખેંચી લેવા કહ્યું હતું અને જો તેમ ન કરે તો સુડી બતાવી આંગળા કાપી નાખવા ધમકી આપી હતી. અપહૃત યુવકોનો છુટકારો થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here