સુરેન્દ્રનગર શહેરમાં ૮૦ ફૂટ રોડ પર આવેલી હીરાબાગ સોસાયટી અને ક્રિષ્ના પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજની લાઈનો તૂટી ગઈ છે, જેના કારણે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે. પાણીનો વારો હોય ત્યારે ૧૫થી ૨૦ મિનિટ સુધી ગટરનું દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવે છે.

ડ્રેનેજનું પાણી સોસાયટીના મુખ્ય માર્ગોે પર પણ ભરાઈ રહેતા ડેન્ગ્યુ, મેલેરિયા અને કોલેરાના કેસ તેમદ માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકામાં રૃબરૃ અને ઓનલાઈન પોર્ટલમાં વારંવાર અરજીઓ કરવામાં આવી છે, તે છતાં સમસ્યાનો નિવેડો નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક ધોરણે તૂટેલી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ શરૃ કરીને ભૂગર્ભ ગટરનું પાણી મિશ્ર થતું અટકાવવા માટે તાકીદની માંગ કરી છે, જેથી રોગચાળાને નિયંત્રિત કરી શકાય.

