ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં શેરથા ટોલટેક્સ નજીકથી પશુઓની અત્યંત ક્રતાપૂર્વક હેરાફેરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. જાગૃત નાગરિકની સતર્કતાને કારણે કતલખાને ધકેલાતા અને ગેરકાયદેસર રીતે લઈ જવાતા ૨૪ જેટલા અબોલ પશુઓનો જીવ બચ્યો છે. પોલીસે બેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપરથી હવે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી ના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના બોડકદેવ માં રહેતા અને ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા કરણ દેવજીભાઈ ચોસલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આજે વહેલી સવારે તેઓ શેરથા ટોલટેક્સ પાસે ઉભા હતા તે સમયે મહેસાણા તરફથી એક સફેદ રંગનું પીકઅપ ડાલુ ત્યાં આવીને ઊભી રહ્યું હતું.બંધ પીકઅપ ડાલામાંથી પશુઓના જોરજોરથી ભંભોરવાનો અવાજ આવતા કરણભાઈને શંકા ગઈ હતી. તેમણે ડ્રાઈવરને અંદર શું ભર્યું છે તે અંગે પૂછપરછ કરતાં, ક્લીનર સીટ પર બેઠેલો શખ્સ ડરના માર્યા ત્યાંથી ભાગવા લાગ્યો હતો. જોકે, તેણે પીછો કરીને તેને પકડી લીધો હતો.જ્યારે વાહનની પાછળના ભાગે તપાસ કરવામાં આવી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું. ડાલામાં અપૂરતી જગ્યામાં કુલ ૨૪ જેટલા નાના પાડાઓને પગ અને મોઢાના ભાગે દોરડાથી બાંધીને એકબીજાની ઉપર ખીચોખીચ ક્રતાપૂર્વક ભરેલા હતા. પશુઓને હલનચલન કરવાની પણ જગ્યા નહોતી અને તેમના માટે હવા-ઉજાસ, ઘાસચારા કે પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી આ ઘટના અંગે સુરત જ અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી જેમાં બનાસકાંઠા ડીસાના આસીફખાન અનવરખાન પઠાણ અને વાસીફ આસીફભાઈ કુરેશીને ઝડપી લેવામાં આવ્યા હતા. ૨૪ પશુઓને મુક્ત કરાવી ૫.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

