અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારથી ગેરકાયદે વસાહતીઓ સહિતના ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આક્રમક નીતિ અપનાવી છે. પ્રમુખ ટ્રમ્પે આ દિશામાં એચ-1બી વિઝાધારકો અને તેમના પર આશ્રિતો માટે સુરક્ષા તપાસ પ્રક્રિયાને વધુ આકરી કરી છે. આ નિયમ 15 ડિસેમ્બરથી લાગુ પડશે, જેના હેઠળ એચ-1બી વિઝા અરજદારો અને તેમના આશ્રિતોની સોશિયલ મીડિયા પર હાજરીની ફરજિયાત સમીક્ષા કરાશે.

દરમિયાન કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભાને કહ્યું કે, વર્ષ 2009થી અત્યાર સુધીમાં અમેરિકાએ 18822 ભારતીય નાગરિકોની હકાલપટ્ટી કરી છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં પ્રોફેશનલ વિદેશી કર્મચારીઓને અપાતા એચ-૧બી વિઝા માટે તપાસ પ્રક્રિયાને વધુ આકરી કરી નાંખી છે. તેના હેઠળ હવે એચ-1બી અરજદારો અને તેમના પર આશ્રિત પરિવારજનોના બાયોડેટા અને લિંક્ડઈન પ્રોફાઈલની પણ તપાસ થશે. આ સાથે અમેરિકા અરજદારો અથવા તેમના પરિવારજનો ક્યારેય પણ ફ્રી સ્પીચની સેન્સરશિપ, કન્ટેન્ટ મોડરેશન, ફેક્ટ ચેકિંગ, મિસ-ડિસઈન્ફર્મેશન, કમ્પ્લાયન્સ અથવા ઓનલાઈન સુરક્ષા જેવા કામો સાથે સંકળાયેલા રહ્યા છે કે નતીં તેની તપાસ કરશે. આ પ્રક્રિયામાં જે અરજદારો ‘ફ્રી સ્પીચ સેન્સરશિપ’ના સંબંધમાં સંકળાયેલા હોવાનું જણાશે તેમના વિઝા રદ કરાઈ શકે છે.અમેરિકામાં વ્યાવસાયિક પ્રોફેશનલ્સની ભરતી કરવા અમેરિકન કંપનીઓ માટે એચ-1બી વિઝા ખૂબ જ મહત્વના છે. ભારત અને ચીન જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં વ્યાવસાયિક પ્રોફેશનલ્સની ભરત કરવામાં આવે છે. ટ્રમ્પ સરકારના વિદેશ મંત્રાલયે બે ડિસેમ્બરે દુનિયાભરમાં તેના બધા જ મિશનોને મોકલેલા એક સરક્યુલરમાં નિર્દેશ અપાયો હતો કે તેઓ એચ-૧બી અરજદારો અને તેમના પર આશ્રિત પરિવારજનોના બાયોડેટા અને લિંક્ડઈન પ્રોફાઈલની પણ તપાસ કરે.
અમેરિકન વિદેશ મંત્રાલયના નિર્દેશોમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોન્સ્યુલર અધિકારીઓને એવા કોઈપણ પુરાવા મળે, જેમાં કોઈ અરજદારે અમેરિકામાં સંરક્ષિત અભિવ્યક્તિની સેન્સરશિપ કરી છે અથવા તેમાં ભૂમિકા ભજવી છે તો તેને ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની વિશેષ જોગવાઈ હેઠળ વિઝા માટે અયોગ્ય માનવામાં આવે. અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બધા જ અરજદારો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રાઈવસી સેટિંગ્સને ‘પ્રાઈવેટ’ના બદલે ‘પબ્લિક’ પર રાખે, જેથી સમીક્ષા પ્રક્રિયા પૂરી કરી શકાય.
એચ-1બી વિઝા માટે આ પ્રકારની આકરી તપાસની માહિતી પહેલા જાહેર થઈ નહોતી. વિદેશ મંત્રાલયના નિર્દેશોમાં કહેવાયું છે કે બધા જ વિઝા અરજદારો પર આ નીતિ લાગુ થશે, પરંતુ એચ-1બી વિઝા અરજદારોની તપાસ વધુ ગંભીરતાથી કરવામાં આવે, કારણ કે તેઓ મોટાભાગે ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશેષરૂપે સોશિયલ મીડિયા અથવા નાણાકીય સેવા કંપનીઓમાં કામ કરે છે, જેના પર અભિવ્યક્તિને દબાવવાનો આરોપ લાગતો રહે છે. આ નવી તપાસ નીતિ નવા અને ફરીથી અરજી કરનારા બંને પ્રકારના અરજદારો પર લાગુ થશે. અમેરિકન વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, અમેરિકન વિઝા અધિકાર નહીં પરંતુ વિશેષાધિકાર છે અને તેના માટે સુરક્ષાના બધા જ માપદંડોનું પાલન ફરજિયાત છે.
દરમિયાન ભારતના વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે રાજ્યસભાને જણાવ્યું કે, વર્ષ 2009થી અત્યાર સુધીમાં કુલ 18822ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા છે, જેમાં 2025માં સૌથી વધુ 3258 ભારતીય નાગરિકોને અમેરિકાએ પરત મોકલ્યા છે. તેમણે ઉમેર્યું કે, વિમાનમાં બધા જ પ્રવાસીઓની સુરક્ષા માટે અમેરિકાએ આ નીતિ અપનાવી છે. ભૂતકાળમાં ગેરકાયદે વસાહતીઓએ અન્ય લોકો પર હુમલા કર્યા હતા.

