ડભોઈ તાલુકાના કનાયડા-ગામડી બસ સ્ટેન્ડ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાઈક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માત ડભોઈ-શિનોર રોડ પર થયો હતો. ડભોઈ તાલુકાના શનોર ગામ, નવીનગરી વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ વસાવા (ઉ.વ. ૫૬) પોતાની બજાજ કંપનીની ડિસ્કવર મોટરસાયકલ (નંબર: GJ-06-FD-6340) લઈને કનાયડા-ગામડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે જ સમયે, હ્યુન્ડાઈ કંપનીની આઇ-૧૦ ફોર-વ્હીલર ગાડી (નંબર: GJ-27-BL-3950)ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને અત્યંત ગફલતભરી રીતે હંકારીને બાઈક ચાલક રમેશભાઈને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રમેશભાઈ રોડ પર પટકાયા હતા.

ઘટનાસ્થળે જ કરુણ મોત:આ ગમખ્વાર અકસ્માતને પગલે મોટરસાયકલ ચાલક રમેશભાઈને માથામાં જમણી બાજુ, મોઢા પર અને શરીર તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઈજાઓ એટલી જીવલેણ હતી કે રમેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી:
ડભોઈ પોલીસે કાર ચાલક વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ અને અકસ્માતે મોત નીપજાવવા બદલ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે શનોર ગામના વસાવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

