લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિગો સંચાલનનાં સંકટ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવતા કહ્યું કે, ‘ઇન્ડિગોની નિષ્ફળતા સરકારની મેચ ફિક્સિંગનું પરિણામ છે.’ નોંધનીય છે કે, 550થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, ‘ઈન્ડિગોની નિષ્ફળતા આ સરકારની મેચ ફિક્સિંગ નીતિનું પરિણામ છે. ફરી એકવાર સામાન્ય ભારતીયોને વિલંબ, ફ્લાઇટ રદ અને લાચારીના રૂપમાં કિંમત ચૂકવવી પડી છે
ચાર દિવસમાં 1300થી વધુ ફ્લાઈટ રદ
ઈન્ડિગો દેશના એરલાઈન્સ માર્કેટમાં 60% જેવો ઊંચો હિસ્સો ધરાવે છે. આમ, તે દેશની અગ્રણી એરલાઈન્સ કંપની છે, જે હાલમાં ઓછા સ્ટાફની મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ કારણસર ઈન્ડિગોની છેલ્લા ચાર દિવસમાં 1300થી વધુ ફ્લાઈટ રદ થઈ છે અને મોડી પડી છે. ઈન્ડિગો ખાસ કરીને ફ્લાઇટ ડ્યૂટીની મર્યાદા નક્કી કરનારા નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમો લાગુ થયા બાદ ક્રૂની તીવ્ર અછત અનુભવી રહી છે.
ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય
સમગ્ર દેશમાં ઈન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હરકતમાં આવ્યું છે. ડીજીસીએએ એરલાઈન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે.
હવે ડીજીસીએએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, વિવિધ એરલાઇન્સ તરફથી આ મામલે સતત ફરિયાદો મળી રહી હતી. વિમાનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રાખવા અને મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાપ્તાહિક આરામ સંબંધિત આ આદેશ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે, જે તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો રહેશે.

