મહીસાગર જિલ્લામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન નિવાસી અધિક કલેકટર અધ્યક્ષસ્થાને ફોર સીઝન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય માતા મરણ, બાળ મરણ, કુપોષણમાં ઘટાડો, કેન્સરના રોગો અટકાવવા અને ક્ષય રોગનો (ટી.બી.) ચેપ તથા મૃત્યુદર ઘટાડવા માટે અસરકારક આયોજન અને તેના અમલવારી માટેનો હતો.

પરિષદના અધ્યક્ષએ નિવાસી અધિક કલેક્ટરએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિષદમાં આજે જુદા જુદા વિષયો પર સંવાદ થવાનો છે. જુદી જુદી યોજનાઓનું અમલીકરણ આપણે સૌ બોટમ લેવલે (નીચલા સ્તરે) કરતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક તેના અમલીકરણમાં મુશ્કેલીઓ આવતી હોય છે. આ સંવાદનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે અમલીકરણમાં ક્યાં તકલીફ પડે છે અને કેવી રીતે સરકારની યોજનાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, “આપ સૌ ફિલ્ડમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, આના માટે જુદા જુદા વિષયોનો આજે પરિસંવાદ છે. આપ પણ પ્રશ્નો કરશો અને એક્સપર્ટ ટીમ પણ આપણને માર્ગદર્શન આપશે. આજના પરિસંવાદમાં જે કંઈ આપણે શીખીએ, એનો ફિલ્ડ લેવલે ઉપયોગ થાય એવી આપ સર્વે પાસે હું શુભેચ્છા પાઠવું છું.”
વધુમાં, અધ્યક્ષએ ઉપસ્થિત સૌ મેડિકલ ઓફિસરો અને તાલુકા હેલ્થ ઓફિસરોને ખાસ વિનંતી કરી હતી કે તેઓ પોતાના વિસ્તારમાં ગંદકીના હિસાબે કોઈ નાનો મોટો રોગચાળો ઉપસ્થિત ન થાય તેની તકેદારી રાખે. જ્યાં સાફ-સફાઈની જરૂરિયાત હોય ત્યાં સૂચન કરીને કામ કરાવી લેવા પણ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે માતા અને બાળ મૃત્યુદર, ઓરલ અને સર્વાઇકલ કેન્સર, ટી.બી. દ્વારા થતાં મૃત્યુ જેવા વિષયો પર ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, તથા હાજર રહેલા એક્સપર્ટો દ્વારા કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા.ઉપરાંત, ટ્રાઇબલ (આદિજાતિ) વિસ્તારમાં આરોગ્યલક્ષી સમસ્યાઓનું સાથે મળીને અસરકારક નિવારણ કઈ રીતે કરી શકાય તે માટે સ્વાસ્થ્ય પરિષદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી, તેમના વિસ્તારમાં ચાલતા પ્રશ્નો સાંભળી, વધુ સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તેમજ આરોગ્ય ક્ષેત્રે વધુ સારી કામગીરી માટે સૂચનો પણ કરાયાં હતાં.
આ પરિષદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધિ, SHRESHTA-G અને GCS મેડિકલ કોલેજના રાજ્યકક્ષાએથી પ્રતિનિધિઓ, તાલુકા પંચાયત પ્રમુખો, સરપંચો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

