અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે.

સાંસદ ખેલ મહોત્સવમાં સામેલ થયા ગૃહમંત્રી
અમદાવાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહમાં એક સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘તમે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી જીતી છે. પરંતુ અમદાવાદના લોકો, તૈયાર રહો કારણ કે આ શહેર 2036માં ઓલિમ્પિકનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે.”
2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અમદાવાદ
શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ગૃહમંત્રી કહ્યું કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરતા પહેલા શહેર 2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિત લગભગ એક ડઝન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરશે. આ મહોત્સવ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો.
800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું કોમ્પ્લેક્સ
ભાજપ નેતાએ પ્રેક્ષકોને જણાવ્યું કે, આ કોમ્પ્લેક્સ 800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને શહેરના મોટેરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સહિત સમાન મોટા સ્પોર્ટ્સ એરેના નિર્માણાધીન છે. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેલાડીઓને અપીલ કરી કે 2036માં ઓલિમ્પિક યોજાય ત્યારે ગુજરાત દેશમાં સૌથી વધુ મેડલ જીતનાર રાજ્ય બને.
‘ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ થશે’
ગૃહમંત્રીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે જ્યારે અહીં ઓલિમ્પિક યોજાશે, ત્યારે ભારત મેડલ ટેલીમાં ટોચના પાંચ દેશોમાં સામેલ થશે.” તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓ હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં મેડલ જીતી રહ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રમતગમતનું બજેટ 2014માં 800 કરોડ રૂપિયાથી વધારીને 2025માં 4,000 કરોડ રૂપિયા કરાયું છે.

