રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો બે દિવસીય ભારત પ્રવાસ પૂર્ણ થયો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને PM મોદી સહિતના VIP ઉપસ્થિત રહ્યા હતા. ડિનર બાદ તેઓ રશિયા જવા રવાના થયા છે. એસ. જયશંકર તેમને એરપોર્ટ સુધી વિદાય આપવા માટે ગયા હતા.

પુતિન મોસ્કો જવા રવાના થયા
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન શુક્રવારે રાત્રે ભારતની બે દિવસની મુલાકાત બાદ દિલ્હીથી મોસ્કો જવા રવાના થયા. રવાના થતા પહેલા, પુતિને ભારત-રશિયા સંબંધોને ‘સાથે ચાલીએ, સાથે આગળ વધીએ’ની ભાગીદારી ગણાવી. તેમણે ભવિષ્યમાં સહયોગ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી.
પુતિનના સન્માનમાં ડિનરનું આયોજન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કર્યું અને તેમના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે પ્રમુખ પુતિનના સમર્થન અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા આવનારા ઘણા વર્ષો સુધી વધુ મજબૂત થતી રહેશે.
ડિનર માટે રાહુલ ગાંધીને આમંત્રણ નહીં
પુતિન સાથે ડિનર માટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને આમંત્રણ મોકલાયું હતું, જ્યારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ મોકલાયું ન હતું.

