ગ્રીનસિટી હોવા છતા ગાંધીનગરમાં પણ શિયાળા દરમ્યાન વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થાય છે. હવામાં ઉડતા રજકણો સહિતના પાર્ટીકલ્સ વધવાને કારણે પ્રદૂષણની માત્રા વધતી જ જાય છે. આવી સ્થિતિ વચ્ચે ન્યુ ગાંધીનગર વિસ્તાર સહિત કોર્પોરેશન વિસ્તારમાં ઘણી જગ્યાએ બાંધકામ સાઇટ્સ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને હવામાં પ્રદૂષણ ફેલાવતા હોય છે.

કોર્પોરેશન દ્વારા આવી સાઇટ્સ સામે નિયંત્રણ માટેનો મુડ બનાવ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં તપાસ કરાઇ હતી જેમાં કુલ ૧૧૦ જેટલા સાઇટમાં તપાસ કરવામાં આવી છે જે પૈકી ૩૮ સાઇટને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.શિયાળો હોવાને કારણે શહેરી વિસ્તારમાં ધૂળા રજકણો અને ધૂમાડાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘણો ઉંચો જઇ રહ્યો છે. જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિ વચ્ચે પણ બિલ્ડોરો દ્વારા નિયમોનું પાલન કર્યા વગર રહેણાંક વિસ્તારોની આસપાસ જ પ્લાન્ટ બનાવીને બાંધકામ સાઇટ ધમધમાવવામાં આવી રહી છે. જેમાં સાઇટમાં જ્યાં બાંધકામ કરવામાં આવતું હોય ત્યાં ગ્રીન નેટ બાંધવામાં આવતી નથી, ડમ્પરો માટી-રેતી કે સિમેન્ટ ભરીને જતા હોય ત્યારે તેના ઉપર પણ કંઇ બાંધવામાં આવતું નથી તો માટી કે રેતીને ગમે ત્યાં ડમ્પ કરવામાં આવે છે આ ઉપરાંત જ્યાં માટી-રેતીનો ઢગલો કરાયો હોય ત્યાં પાણી પણ છાટવામાં આવતું નથી. આવી રીતે નિયમોનો ભંગ કરવાને કારણે આ સાઇટ દ્વારા પણ હવા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે હાલ ગાંધીનગરમાં પણ એક્યુઆઇનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે ત્યારે કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં ૧૧૦ જેટલી બાંધકામ સાઇટમાં તપાસ કરવામાં આવી હતી જે પૈકી જે સાઇટ મારફતે વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હતું અને નિયમોનું પાલન કરવામાં આવતુ ન હતું તે સાઇટને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કુલ નવ લાખ રૃપિયાનો દંડ કોર્પોરેશનની ટીમ દ્વારા ફટકારવામાં આવ્યો છે. જેમાંથી બે લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો આગામી દિવસોમાં પણ આ તપાસ ચાલુ રહેશે અને તે વખતે ફરી નિયમોનું ભંગ થતું અને વાયુ પ્રદૂષણ થતું જણાશે તો તે સાઇટને સીલ કરવા સુધીના પગલા લેવાના મુડમાં કોર્પોરેશન હોય તેમ લાગી રહ્યું છે.

