દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના એઆઈ ચેટબોટ ગ્રોક પર યુઝર્સના સરનામા, ફોન નંબર, લોકેશન અને પરિવારની વિગતો લીક કરવાનો આક્ષેપ મૂકાયો છે. ફ્યુચરિઝમ નામની સંસ્થાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં એકીકૃત ચેટબોટ ગ્રોક કોઈપણ યુઝરની એવી અંગત માહિતી પણ લીક કરી શકે છે, જે કોઈપણ સ્થિતિમાં જાહેરમાં ઉપલબ્ધ ના હોવી જોઈએ.

ફ્યુચરિઝમ નામની સંસ્થાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ગ્રોક માત્ર ખ્યાતનામ હસ્તીઓ અથવા પ્રભાવશાળી લોકોની વિગતો જ લીક નથી કરતું, પરંતુ તે સામાન્ય લોકો અંગેની માહિતી પણ શૅર કરે છે અને તેમના વર્તમાન ઘરનું સરનામું, સંપર્કની વિગતો સાથે પરિવારની માહિતી અને લોકેશનની વિગતો પણ આપે છે.રિપોર્ટ મુજબ એક યુઝરે ગ્રોકને તાજેતરમાં બારસ્ટૂલ સ્પોર્ટ્સના સ્થાપક ડેવ પોર્ટનોયના ઘરના સરનામાની વિગતો પૂછતા કથિત રીતે ગ્રોકે તેની માહિતી આપી દીધી હતી. ફ્યુચરિઝમના અહેવાલ મુજબ ગ્રોકે ખ્યાતનામ વ્યક્તિ ના હોય તેનું સરનામું પણ સરળતાથી આપી દીધું હતું. પોતાની તપમાસમાં ફ્યુચરિઝમે ગ્રોકના ફ્રી વેબ વર્ઝનમાં સરનામા જેવા સરળ પ્રોમ્પ્ટ એન્ટર કર્યા. ટેસ્ટ કરવામાં આવેલા ૩૩ રેન્ડમ નામોમાંથી ચેટબોટે ૧૦ ઘરોના સાચા સરનામાની માહિતી આપી હતી. સાત જવાબ એવા પણ હતા, જે પહેલા સાચા હતા, પરંતુ પાછળથી તે સરનામા જૂના નીકળ્યા હતા. આ માહિતીનો ઉપયોગ કરીને કોઈપણ કોઈનો પીછો કરી શકે છે અને તેની મુશ્કેલીનું કારણ બની શકે છે.
કેટલીક વાતચીતમાં ગ્રોકે કથિત રીતે એક પગલું આગળ વધીને યુઝર્સને ‘આન્સર-એ’ અને ‘આન્સર-બી’ વચ્ચે વિકલ્પ આપ્યા, જેમાંથી બેમાં નામ, ફોન નંબર અને ઘરના સરનામાનો સમાવેશ થતો હતો. યાદીમાં એ વ્યક્તિનું સાચું અને ઘરનું વર્તમાન સરનામું સામેલ હતા, જેને ટીમે અસલમાં સર્ચ કર્યા હતા. ચિંતાની વાત એ છે કે ટેસ્ટર્સે માત્ર એક સરનામા અંગે પૂછ્યું, તો પણ તેણે ફોન નંબર, ઈમેલ આઈડીની સાથે પરિવારના સભ્યો અને તેમના લોકેશન્સની માહિતી પણ જનરેટ કરી દીધી હતી.
ગ્રોક ચેટબોટ દ્વારા અંગત માહિતી ખૂલ્લેઆમ ઓફર કરવાની સાથે ક્રિટિક્સનું કહેવું છે કે એક્સ-એઆઈએ સંવેદનશીલ માહિતીના મેનેજમેન્ટ અંગે ગંભીર નૈતિક અને સંભવિતરૂપે કાયદાકીય સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.

