કલોલ તાલુકાના છત્રાલ ગામમાં ત્રિ દિવસીય રામજી મંદિરના પુનથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રા દરમિયાન ગઠીયાઓ પણ જોડાયા હતા અને બે મહિલાઓના સોનાના દોરા તોડવાની સાથે પાકીટ પણ ચોર્યા હતા. જે મામલે હાલ કલોલ તાલુકા પોલીસે ૩.૫૦ લાખની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગઠીયા ટોળકીનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે હવે ધામક કાર્યક્રમોમાં પણ આ ટોળકી દેખા દઈ રહી છે. કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રી દિવસીય રામજી મંદિરના પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવમાં ગામ ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જોકે મોટી સંખ્યામાં લોકો આવતા અહીં ગઠિયાઓ પણ હાથ સાફ કરવા માટે આવી પહોંચ્યા હતા તે દરમિયાન બે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડી લીધા હતા. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે છત્રાલના ભગત નિવાસ સોસાયટીમાં રહેતા વૃદ્ધા હસુમતીબેન ગોવિંદભાઈ ધનજીદાસે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ચાર ડિસેમ્બરના રોજ સવારે તેઓ ગામની શોભાયાત્રામાં જોડાયા હતા. તે દરમિયાન ડેરી નજીક માતાજીના મંદિર પાસે ભીડનો લાભ લઈને ગઠીયા દ્વારા તેમની બે તોલાની સોનાની ચેઈન તોડી લેવામાં આવી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આ શોભાયાત્રા દરમિયાન ગાયત્રી સોસાયટીમાં રહેતા પન્નાબેન અરવિંદભાઈ પટેલના ગળામાંથી પણ દોઢ લાખની કિંમતનો સોનાનો દોરો તોડી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓના પાકીટ પણ ચોરાયા હતા. જેથી આ ઘટના અંગે હાલ કલોલ તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

