ડભોઇ રોડ પર કેલનપુર ગામ નજીક રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી ગઇ હતી. રિક્ષામાં જતા દંપતી પૈકી પત્નીનું મોત થયું હતું.

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે નવી નગરીમાં રહેતા નિખિલ કનુભાઇ જોશી (ઉં.વ.૫૮) ગઇકાલે મોડીરાત્રે રિક્ષા લઇને ડભોઇથી વડોદરા તરફ આવતા હતા. તે દરમિયાન કેલનપુર બ્રિજ પર રસ્તા વચ્ચે અચાનક ભૂંડ આવી જતા તેમણે રિક્ષા પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ગઇ હતી. નિખિલભાઇને માથા તથા ડાબા પગે ઇજા થઇ હતી. જ્યારે તેમના પત્ની ટીનીબેનને ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. અન્ય એક રિક્ષા પાછળથી આવતી હોઇ તે રિક્ષાના ચાલક દીપક રમેશભાઇ વસાવા ( ઉં.વ.૪૦) ને પણ છાતી તથા કમરના ભાગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં લગ્ન સિઝન ચાલે છે અને નિખિલભાઇ કેટરિંગનું કામ કરતા હોઇ તેઓ વડોદરાના નવાપુરા વિસ્તારમાં કેટરિંગના માણસોને લેવા જતા હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતમાં ભૂંડનું પણ મોત થયું હતું.

