સુરેન્દ્રનગરમાં મનપા તંત્રએ ચેકિંગ હાથ ધરી ૫૦૦ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો હતો. મનપાની ટીમે વેપારીઓ પાસેથી રૂ.૬૫,૦૦૦નો દંડ વસૂલ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે એન.ટી.એમ રોડ, તળાવ રોડ, પતરાવાળી ચોક અને મલાર ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ સરપ્રાઇઝ રેઇડમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપાની ટીમે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો રાખનાર વેપારીઓ પાસેથી કુલ રૂ.૬૫,૦૦૦નો દંડ વસૂલ કર્યોે હતો. આ ઉપરાંત, અંદાજે ૫૦૦ કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ તમામ નાગરિકો અને વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને કાપડની અથવા કાગળની થેલીઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો છે.

