મહુધા પોલીસે રાત્રે ફીણાવ ભાગોળ રોડ પરથી બે વાહનોમાં કતલખાને લઈ જવાતા આઠ પશુઓને બચાવી લીધા હતા. પોલીસે પશુઓ, બે વાહન મળી કુલ રૂ.૧૧,૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે બંને વાહનચાલકોને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા પોલીસને બાતમી મળેલ હતી કે, કઠલાલ તરફથી બોલેરો અને પિકઅપ બંને વાહનો પશુ ભરીને કતલખાને જવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કઠલાલ તરફથી આવતા વાહનો બોલેરો અને પિકઅપને ઉભી રાખવાનો ઈશારો કરતા બંને વાહન ચાલકોએ વાહનો હંકારી મૂક્યા હતા. પરંતુ રોડ પર મૂકેલી આડાસને કારણે બંને વાહનો ઉભા રહેતા પોલીસે બંને વાહનચાલકોની અટક કરી પૂછપરછ કરતા જુનેદ મહંમદ ખુદાબક્ષ પઠાણ અને શહેજાદ સાબીર હુસેન મલેક (બંને રહે. મહુધા)મ હોવાનું જણાવ્યું હતું. તેમજ પશુઓ અયુબ મિયાએ ખોખરવાડાથી ભરી આપ્યા હતા અને અમદાવાદમાં રહેતા નદીમને આપવા જઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વાહનમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ચાર ભેંસો (કિં. રૂ. ૧ લાખ) અને ચાર પાડા-પાડીઓ (કિં. રૂ.૨૦ હજાર) કબજે કરી હતી. આ વાહનોમાં પશુઓ માટે દાણ ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. પોલીસે કિં.રૂ. ૧,૨૦,૦૦૦ના પશુ, દસ લાખના બે વાહન સહિતનો રૂ.૧૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે જુનેદ મહંમદ ખુદાબક્ષ પઠાણ, શહેજાદ સાબીર હુસેન મલેક, અયુબમિયા તેમજ નદીમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

