ડોક્ટર હાર્દિક અમીન શિક્ષણવિદ અને કેમેસ્ટ્રી નિષ્ણાત::
છેલ્લા ત્રણેક વર્ષથીઅમદાવાદ શહેર શિક્ષણ વિભાગની પહેલથી દસમા ધોરણના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો નવો જ ઉછાળો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરના શિક્ષણ વિભાગે છેલ્લા ત્રણ વર્ષથી એક મહત્વપૂર્ણ અને હિંમતભર્યો નિર્ણય લઈને સમગ્ર શૈક્ષણિક માળખામાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલાઇઝ્ડ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન— એક એવો પગલું, જે માત્ર પરીક્ષા માટેની તૈયારી પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સંતુલન, સમય વ્યવસ્થાપન અને વાસ્તવિક પરીક્ષા પરિસ્થિતિનો અભ્યાસ કરાવવાનું મૂલ્ય ધરાવે છે.
શહેરના શિક્ષણ અધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રિ-બોર્ડનું મુખ્ય લક્ષ્ય વિદ્યાર્થીઓની ક્ષમતાનું મૂલ્યાંકન નહીં, પરંતુ તેમને સાચી બોર્ડ પરીક્ષાની પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર કરવાનું છે. “બાળકોને ડરથી બહાર લાવીને દક્ષતા તરફ લઈ જવું છે,”— તેઓએ જણાવ્યું.

શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં એકસરખા પેપર પેટર્ન, સમયપત્રક અને પરીક્ષા નિયમો સાથે આ પ્રિ-બોર્ડનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષાના દિવસે શાળાઓમાં બોર્ડ જેવી જ ગતિશીલતા જોવા મળે છે.— ગેટ પર ચેકિંગ, ક્લાસરૂમમાં શાંતિ, નિરીક્ષકોની હાજરી અને સમયપાલનની કડકતા. આ સમગ્ર પ્રક્રિયાએ વિદ્યાર્થીઓને એક એવો અનુભવ આપે છે, જે તેમણે માત્ર કલ્પનામાં જ જોયો હોય.
ગયા વર્ષે ફ્રી બોર્ડ પરીક્ષા આપી ચૂકેલા ધોરણ 10 ના એક વિદ્યાર્થી મોહિત પંચાલે આ પરીક્ષા અંગે પૂછતા જણાવ્યું કે,
“આ પહેલા સમજાતું નહોતું કે બોર્ડની પરીક્ષા કેટલી શિસ્તબદ્ધ હોય છે. આ પ્રિ-બોર્ડ પરીક્ષાએ અમને આત્મવિશ્વાસ આપ્યો. જેથી અમે બોર્ડની પરીક્ષાનો ડર ભૂલી જઈને ખૂબ આત્મવિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપી શક્યા અને ઉજળું પરિણામ મેળવી શક્યા.”
પરીક્ષાઓ પૂર્ણ થયા પછીના પરિણામો શિક્ષકો માટે અત્યંત ઉપયોગી સાબિત થયા છે. દરેક શાળાએ વિષયવાર માપદંડ મુજબ વિદ્યાર્થીઓની નબળાઈ અને મજબૂતીઓની વિગતવાર માહિતી શિક્ષણ વિભાગને મોકલે છે. તેની આધારે શિક્ષણ વિભાગ ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન તેમજ અન્ય અગત્યના વિષયોમાં શાળાઓને બાળકો પ્રત્યે ઘ્યાન કેન્દ્રીત કરી વિદ્યાર્થીઓને, વધારાની પ્રેક્ટિસ અને વ્યક્તિગત માર્ગદર્શન— વગેરે જેવા પ્રયત્નોથી વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે સાનુકૂળ સૂચનો આપે છે.
માતા-પિતાઓએ પણ આ પહેલનું હર્ષપૂર્વક સ્વાગત કર્યુ છે . ઘણાં માતા-પિતાએ જણાવ્યું કે પ્રિ-બોર્ડ પરીક્ષાએ બાળકોને પરીક્ષાની ગંભીરતા સાથે શિસ્ત અને આત્મવિશ્વાસ શીખવ્યો છે.
વિવિધ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો કહે છે કે,“અમે ફ્રી બોર્ડ પરીક્ષાના પરિણામને માત્ર ટકાવારી તરીકે નહીં, પરંતુ ગુણવત્તાના વિકાસ તરીકે જોઈએ છીએ. પ્રિ-બોર્ડ પરીક્ષા એ શહેરની શૈક્ષણિક યાત્રામાં એક મજબૂત પડકાર-પરિવર્તક સાબિત થયો છે.”
આ પહેલથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ શહેર શિક્ષણ વિભાગ માત્ર વહીવટી એકમ નથી, પરંતુ શહેરના ભાવિ નિર્માતાઓ— વિદ્યાર્થીઓ—ને યોગ્ય દિશામાં આગળ ધપાવવાનું મહત્વનું કાર્ય કરી રહ્યું છે. પ્રિ-બોર્ડ પરીક્ષાએ શહેરના શિક્ષણ ક્ષેત્રને એક નવી ઓળખ આપી છે:
“તૈયારીથી સફળતા સુધીની મજબૂત પગથિયું.”

