અમદાવાદ ક્રાઇમ બ્રાંચની AHTU ટીમે સોલા વિસ્તારમાં આવેલા વિવાન્તા ઇન્ટરનેશન સ્પા પર દરોડો પાડીને એક દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે સ્પાના મેનેજર અને માલિકો આર્થિક ફાયદા માટે મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મેનેજર સહિત ત્રણ માલિકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, રેડ દરમિયાન સ્પામાંથી કુલ 8 મહિલાઓ મળી આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, વૈષ્ણોદેવી સર્કલ પાસે રનસ્કેપ બિલ્ડિંગના પહેલા માળે આવેલા વિવાન્તા ઇન્ટરનેશન સ્પા બોડી મસાજની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે. આ બાતમીના આધારે, AHTU દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ડમી ગ્રાહક તૈયાર કરવામાં આવ્યો હતો. જેને શારીરિક સંબંધ માટે સ્ત્રીની માંગણી કરવા અને ભાવતાલ નક્કી થયા બાદ ફોનથી જાણ કરવા સૂચના અપાઈ હતી. તેને રૂપિયા 2500 આપીને સ્પા સેન્ટર પર મોકલાયો હતો. આ પછી થોડીવારમાં ડમી ગ્રાહકનો મેસેજ મળતા જ પોલીસ ત્રાટકી હતી.

પોલીસની રેડ દરમિયાન રીસેપ્શન પર હાજર વ્યક્તિએ પોતાનું નામ તરુણકુમાર અને પોતાની ઓળખ સ્પાના મેનેજર તરીકે આપી. મેનેજરની પૂછપરછમાં માલિક તરીકે ભાડા કરારમાં ગૌતમ ઠાકોરનું નામ હોવાનું પરંતુ મુખ્ય માલિકો નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય હોવાનું જણાવ્યું હતું. રેડ દરમિયાન, એક રૂમમાંથી ડમી ગ્રાહક અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આપવામાં આવેલી એક મહિલા મળી આવી હતી. સ્પામાં કુલ 15 રૂમ હતા, જેમાંથી 10 મસાજ રૂમનો સમાવેશ થાય છે.
પોલીસની રેડ દરમિયાન સ્પામાંથી કુલ 8 મહિલાઓ મળી આવી હતી. જેમાંથી 4 મહિલાઓએ કબૂલાત કરી હતી કે સ્પાના માલિક તેમને દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા અને સંચાલક/મેનેજર દ્વારા તેમને પ્રતિ ગ્રાહક રૂપિયા 1000 મળતા હતા. તપાસમાં સ્પાના મેનેજર પાસે જરૂરી દસ્તાવેજો કે સ્ટાફનું પોલીસ વેરિફિકેશન નહોતું. આમ ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચલાવવા બદલ સ્પાના હાજર મેનેજર તરુણકુમાર અને માલિકો ગૌતમ ઠાકોર, નીલ શાહ, અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
