વડોદરા સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા કડક બજાર વિસ્તારમાં પાલિકાની ત્રાટકેલી દબાણ શાખાએ શાકભાજીવાળા તથા દુકાનદારોના હંગામી દબાણો સહિત 10 જેટલા ઓટલાનો બુલડોઝરથી સફાયો કરીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જોકે કાયમી ધોરણે આ વિસ્તારમાં શાકભાજીના પથારા સહિત દુકાનદારોના દબાણો રહેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સયાજીગંજ વિસ્તારના કડક બજાર ખાતે પાલિકાની દબાણ શાખા આજે બુલડોઝરો અને કાટમાલ તથા અન્ય કબજે કરેલ માલ સામાન કબજે કરવા ટ્રકો સાથે પહોંચી ગઈ હતી. દબાણ શાખાની ટીમ ત્રાટકે એ અગાઉ કેટલાય દબાણ કરતા હોય પોતપોતાનો સામાન ખસેડીને સલામત જગ્યાએ મૂકી દીધો હતો. આમ છતાં ત્રાટકેલી દબાણ શાખાની ટીમે વિસ્તારમાં બનેલા દુકાનદારોના ગેરકાયદે 10 જેટલા પાકા ઓટલા બુલડોઝરના સહારે તોડી પાડ્યા હતા. જ્યારે રોડ રસ્તા પર શાકભાજી સહિત અન્ય માલ સામાનનો પથારો લગાવીને વેપાર ધંધો કરનારાઓનો તથા લારી ગલ્લા વાળાઓનો મળીને કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જ્યારે ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયાર નગર પાસે પ્રાઇમ કોમ્પ્લેક્સમાં માર્જિનની જગ્યામાં બનાવેલો દાદર દબાણ શાખાની ટીમે તોડી કબજે કર્યો હતો.
