ફિલ્મ ‘ધુરંધર’માં ફેન્સ આદિત્ય ધરના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહથી લઈને સંજય દત્ત સુધીના દરેક સ્ટાર્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. સૌને ઘણો પ્રેમ મળી રહ્યો છે. જોકે, સૌથી વધુ કોઈએ લાઇમલાઇટ મેળવી હોય, તો તે છે અક્ષય ખન્ના. તેમણે આ ફિલ્મમાં પાકિસ્તાની અંડરવર્લ્ડ ડૉન રહેમાન ડાકુનું પાત્ર ભજવ્યું છે. અક્ષય ખન્નાના શેતાની હાસ્ય સ્માઇલ અને દમદાર અભિનયે દર્શકોના દિલ જીતી લીધા છે.

રહેમાન ડાકુનું પાત્ર ભજવતો અક્ષય ખન્ના જ્યારે ચહેરા પર શેતાની હાસ્ય સાથે ડાન્સ કરે છે, ત્યારે તેનું હાસ્ય જ દર્શકોમાં ભય પેદા કરે છે. ફિલ્મ રિલીઝ થતાં જ, ‘Fa9la’ગીત પરનો તેનો ડાન્સિંગ સીન વાઇરલ થઈ ગયો છે. આ સીનને જોઈને લોકોએ બોબી દેઓલ સાથે સરખામણી શરૂ કરી દીધી, જેણે ‘એનિમલ’માં ‘જમાલ કુડુ’ ગીત પર ડાન્સ કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. ‘જમાલ કુડુ’ની જેમ જ, અક્ષય પર ફિલ્માવાયેલા આ ગીત અને સીનને પણ દર્શકો હવે તેટલો જ ઉત્સાહથી વધાવી રહ્યા છે.
‘ધુરંધર’નું વાઇરલ ગીત કોણે બનાવ્યું છે?
નિર્દેશક આદિત્ય ધરે ‘Fa9la’ ગીત પર અક્ષય ખન્નાને જે રીતે સુંદરતાથી રજૂ કર્યો છે, તેમાં કોઈ શંકા નથી. પણ, શું તમને ખબર છે કે આ ગીતના નિર્માતા કોણ છે? હકીકતમાં, આ ગીત બહેરીનનું છે, જેને ત્યાંના રેપર ફ્લિપરાચી (Flipperachi) દ્વારા લખવામાં આવ્યું અને ગાવામાં આવ્યું છે. આ ગીત 6 જૂન, 2024ના રોજ ફ્લિપરાચીની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયું હતું. આ ગીતનું પ્રોડક્શન અને મિક્સિંગ DJ Outlaw દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ‘ધુરંધર’ ફિલ્મ દ્વારા આ ગીત ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.
રિપોર્ટ્સ મુજબ, FA9LA અરબી શબ્દ છે. તેનું ઉચ્ચારણ ‘ફસ્લા’ (Fasla) થાય છે. આ શબ્દ મોજ-મસ્તીના સમય કે પાર્ટીને રજૂ કરવા માટે વપરાય છે. ભારતથી લગભગ 2400 કિમી દૂર આવેલા મિડલ-ઇસ્ટના દેશ બહેરીનના આ ગીતે અક્ષય ખન્નાને ઘણી લાઇમલાઇટમાં લાવી દીધો છે.

