વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે અગાઉના 200 જેટલા ઝૂંપડા પાલિકાની દબાણ શાખાએ તોડી મેગા ડિમોલિશન કરીને ચોખંડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ સહિત આજુબાજુમાં વોર્ડ નં.13, અને 14માં ગેરકાયદે પથારા તથા દુકાનો આગળ દબાણ કરનાર અને શેડ બાંધીને વેપાર ધંધો કરનારા પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે 200 જેટલા ઝૂંપડામાં શ્રમજીવીઓ રહેતા આવ્યા હતા. પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી અને આ તમામ બસો જેટલા ખાલી કરાવીને તોડી પાડવા હાઉસિંગ બોર્ડ તંત્ર દ્વારા જણાવાયું હતું. પરિણામે પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તમામ 200 ઝૂપડા તોડી પાડવાની કામગીરી તત્કાળ શરુ કરવામાં આવશે તેમ દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું.જ્યારે બીજી બાજુ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારની શાક માર્કેટ સહિત આસપાસના દુકાનદારો મળીને વોર્ડ નં.13-14માં દુકાન આગળ દબાણ કરતા હોવા સહિત અનેક લોકો શેડ બાંધીને પણ વેપાર ધંધો કરતા હોવા સહિત લારી ગલ્લા પથારાવાળાના અનેક દબાણો તથા 20 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

