NATIONAL : નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

0
30
meetarticle

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્ને વચ્ચે સંસદની કાર્યવાહી દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. રાહુલ ગાંધીએ વોટચોરી અંગેની તેમની ત્રણ પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવા અમિત શાહને પડકાર ફેંક્યો હતો. જે બાદ અમિત શાહે જવાબ આપતા કહ્યું હતું કે તમારી મનમાની મુજબ સંસદ નહીં ચાલે. મારો બોલવાનો ક્રમ હું નક્કી કરીશ. આ સાથે જ અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી અને સોનિયા ગાંધી આ ત્રણેયે વોટચોરી કરી હતી. નેહરુ વોટચીરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો. ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં હાથ ધરાઇ રહેલી મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરનો સંસદમાં બચાવ કરતા અમિત શાહ ભાષણ આપી રહ્યા હતા, આ દરમિયાન રાહુલ ગાંધી પોતાની જગ્યાએથી ઉભા થયા હતા અને કહ્યું કે હું અમિત શાહને ચેલેન્જ કરૂ છું કે આ વોટચોરી અંગેની મારી ત્રણ પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરો અને મારા સવાલોનો જવાબ આપો. બાદમાં અમિત શાહે આક્રામક રીતે જવાબ આપતા કહ્યું હતું કે હું ૩૦ વર્ષથી વિધાનસભા અને સંસદમાં ચૂંટાતો આવ્યો છું, મને સંસદીય પ્રણાલીનો લાંબો અનુભવ છે, વિપક્ષ નેતા મહોદય કહે છે કે પહેલા મારી વાતો સાંભળો, હું તેમને જણાવવા માગુ છું કે તમારા (વિપક્ષ નેતા) હિસાબે સંસદ નહીં ચાલે, મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, આ રીતે સંસદ નહીં ચાલે, હું તમારી ઉશ્કેરણીમાં નહીં આવું. 

બાદમાં રાહુલ ગાંધી પોતાની જગ્યાએ ઉભા થયા હતા અને કહ્યું હતું કે આ ડર અને ઘબરાહટવાળો જવાબ છે, આ સાચો જવાબ નથી. અમિત શાહે કહ્યું હતું કે મને તેમના કપાળે ચિંતાની રેખાઓ દેખાઇ રહી છે. અમારી પોણી જિંદગી વિપક્ષમાં જતી રહી, અમે ક્યારેય ચૂંટણી પંચ પર સવાલો નથી ઉઠાવ્યા. વોટચોરીના ત્રણ આધાર છે જેમ કે હક ના હોવા છતા મતદાર બની બેઠા હોય તે, ખોટી રીતે ચૂંટણી જીતવી, વોટની વિપરીત પદ મેળવવા. આ ત્રણેય વોટ ચોરી ગણાય. ગૃહમંત્રીએ કહ્યું હતું કે દેશમાં જ્યારે પ્રથમ વડાપ્રધાન પસંદ કરવાના હતા ત્યારે વોટચોરીની પ્રથમ ઘટના બની હતી, તે સમયે દેશમાં જેટલા પણ પ્રાંત હતા ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ હતા, આ અધ્યક્ષોએ વડાપ્રધાન પદ માટે ઉમેદવાર નક્કી કરવા મતદાન કર્યું જેમાં ૨૮ મત સરદાર પટેલને મળ્યા જ્યારે બે મત જવાહરલાલ નેહરુને મળ્યા. બાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુજી બન્યા. અમિત શાહના આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. અમિત શાહે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચંૂટાયા હતા, આ ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારાઇ, હાઇકોર્ટે આ ચૂંટણી રદ કરી દીધી હતી. ઇંદિરા ગાંધીની આ ચૂંટણી પણ મોટી વોટચોરી હતી. સોનિયા ગાંધી આ દેશના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર બની ગયા હતા, આ મુદ્દે કોર્ટમાં અરજી કરાઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાજપ પર સતત વોટચોરીનો આરોપ લગાવી રહ્યા છે. બોગસ મતદારોને લઇને તેમણે ત્રણ પ્રેસ કોન્ફરંસ કરી અને તેમાં કેટલાક સવાલો કર્યા. આ મુદ્દે તેમણે અમિત શાહને ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેક્યો હતો.   હાલ જ્યારે સંસદમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે રાહુલે ફરી આ મુદ્દો છેડયો હતો.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here