મેઘાલયમાં કોન્સર્ટ દરમિયાન એક ચાહકે સ્ટેજ પર ધસી જઈ સિંગર કનિકા કપૂરને ઉંચકી લેવા પ્રયાસ કર્યો હતો. કનિકાએ આ હરકતથી ભારે આંચકો અનુભવ્યો હતો. તેણે આ ચાહકથી પોતાનો પીછો છોડાવ્યો હતો. જોકે, તેણે ડર્યા વિના ગાવાનું પણ ચાલુ રાખ્યું હતું.

આ બનાવના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, કનિકા સ્ટેજ પરથી પરફોર્મ કરી રહી હતી તેવામાં એક અજાણ્યો વ્યક્તિ સ્ટેજ પર ચડી ગયો હતો અને તેણે કનિકાને પકડી લેવા પ્રયાસ કર્યો હતો. પરિણામે ગાયિકા ગભરાઇને પાછળ હટી ગઇ હતી તેમ છતાં તેણે ગીત ગાવાનું ચાલુ રાખ્યું હતું. થોડી જ સેંકન્ડોમાં સુરક્ષા ટીમ આવી પહોંચી હતી અને તે વ્યક્તિને સ્ટેજ પરથી પકડીને નીચે ઊતારવામાં આવ્યો હતો. જોકે તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી છ ેકે નહીં તે તત્કાળ જાણવા મળ્યું નથી.
આ બનાવથી કનિકાના ચાહકોમાં ભારે રોષ ફેલાયો છે. ઈન્ટરનેટ પર લોકોએ લખ્યુું છે કે મહિલા પરફોર્મર્સ માટે જાહેર કાર્યક્રમો પણ અસુરક્ષિત બની ગયા છે. દેશમાં હજારો લોકોની હાજરીમાં પણ સ્ટેજ પરની એક મહિલા સલામત નથી તે બહુ ખેદજનક છે.
ઉલ્લેખનીય છે કે ‘બેબી ડોલ મેં સોને દી’ તથા ‘ચિટ્ટિયાં કલાઈયાં ..’ જેવાં ગીતો બાદ કનિકાના ફેન ફોલોઈંગમાં બહુ વધારો થયો છે.

